રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
ડેન્ગ્યુ અને મેલેરિયા: મુંદરાના આરોગ્ય તંત્ર દ્વારા મચ્છર નિયંત્રણ માટે ખાસ ઝુંબેશ
મુંદરા, તા. 22 : ચોમાસું સમાપ્ત થયા પછી મુંદરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા વાહકજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે મુંદરાના આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
મચ્છરોથી ફેલાતા રોગોને અટકાવવા માટે આરોગ્ય વિભાગની ૨૦ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘેર-ઘેર મુલાકાત લેવામાં આવી હતી. શનિવારના રોજ ૧૦૪૨ ઘરોનો સર્વે કરીને ૩૭૨૨ પાણી ભરાયેલા પાત્રોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૨૨ પાત્રોમાં મચ્છરના ઇંડા (લાર્વા) મળી આવ્યા હતા, જેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૬૮૭ પાત્રોમાં ટેમોફોસ નામની દવા નાખીને મચ્છરોના બચ્ચા ઉત્પન્ન ન થાય તે માટેની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. રવિવારના રજાના દિવસે પણ, આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખીને શંકાસ્પદ ડેન્ગ્યુના કેસવાળા ઘરો અને તેની આસપાસના ૨૦૦ થી વધુ ઘરોમાં દવાયુક્ત ધુમાડો (ફ્યુમિગેશન) કરીને પુખ્ત મચ્છરોનો નાશ કરવામાં આવ્યો હતો.
રોગ અટકાયતી પગલાના ભાગરૂપે ભરાયેલા ખાડાઓ અને ટાયરોમાં ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો છે અને રેતીથી તેને ભરવામાં આવી રહ્યા છે. લોકોને પણ તેમના ઘરોની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવાની સલાહ આપવામાં આવી છે.
નગરપાલિકા દ્વારા રસ્તાઓ અને જાહેર માર્ગોની સફાઈની કામગીરી પ્રશંસનીય છે. જોકે, ગટર લાઈન લીકેજ અથવા પાણીના ભરાવા જેવી સમસ્યાઓ જણાય તો તાત્કાલિક નગરપાલિકાના સેનિટેશન વિભાગનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
બારોઈ રોડ પર આવેલી કેટલીક ઇમારતોમાં ગટર ઉભરાવાની ઘટનાઓ સામે આવી છે. આ માટે, રહેવાસીઓને પોતાના વિસ્તારમાં યોગ્ય સ્વચ્છતા જાળવવા અને સામૂહિક રીતે કામ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો, નગરપાલિકા અને પોલીસ તંત્ર સાથે મળીને કડક કાર્યવાહી કરી શકે છે.
બારોઈ રોડ પર આવેલી હોટલોના માલિકોને તેમના પરિસરની બહાર નકામા ટાયરોનો ઉપયોગ બેસવા માટે ન કરવા અપીલ કરવામાં આવી છે, કારણ કે ટાયરોના પોલાણમાં પાણી ભરાવાથી મચ્છરો ઈંડા મૂકી શકે છે.
આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશ તાલુકા હેલ્થ સુપરવાઇઝર હરિભાઈ જાટિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. મચ્છરોથી થતા રોગોથી બચવા માટે સરકારી પ્રયાસોની સાથે-સાથે જનતાની સહભાગીતા પણ અત્યંત જરૂરી છે. તમારા ઘર અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખો અને પાણીનો ભરાવો ન થવા દો. યાદ રાખો, સાવચેતી એ જ સલામતી! ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ અને મેલેરિયાને ભગાવી રોગમુક્ત વાતાવરણનું નિર્માણ કરીએ.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com