નર્મદા નદીમાં ભરતીના પાણીમાં ફસાયા 5 યુવાનો:અંકલેશ્વર નજીક બોટમાં સેલ્ફી અને ધીંગામસ્તી કરતા યુવકોને સ્થાનિક નાવિકોએ બચાવ્યા
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે પાંચ યુવાનોની સેલ્ફી અને ધીંગામસ્તી ભારે પડી હતી. રવિવારની સાંજે આ યુવાનો નદી કિનારે પહોંચ્યા હતા અને લંગારેલી બોટમાં મોજમસ્તી કરી રહ્યા હતા.
અચાનક ભરતીના પાણી આવતાં બોટ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી. યુવાનોના જીવ જોખમમાં મુકાયા હતા. આ અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તરત જ અન્ય નાવિકોને જાણ કરી હતી.
નાવિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નદીના પાણીમાં તરીને નાવડી સાથે પાંચેય યુવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આમ તેમના જીવ બચાવી લેવાયા હતા.
ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી.
આ ઉપરાંત અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા પણ યથાવત છે. જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ હશે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.