
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
સુમરાસર (શેખ) સરકારી શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
સુમરાસર (શેખ):
આજરોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા સુમરાસર (શેખ) ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના બાળકોનો વિદાય સમારોહ તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પોતાની કલા-શક્તિનું પ્રદર્શન કરતા અવનવા નૃત્યો અને સામાજિક સંદેશ આપતા નાટકો રજૂ કર્યા હતા, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ નિહાળવા માટે ગામના વડીલો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના ઉત્સાહમાં વધારો કરવા માટે વિરમભાઈ આહીર દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના સભ્ય દામજીભાઈ ચાડ, સરપંચ શ્રી રણછોડભાઈ તથા એસએમસી સભ્ય હરિભાઈએ પ્રાસંગિક ઉદબોધન આપી બાળકોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. શાળાના શિક્ષક શ્રી અલ્પેશભાઈએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં તણાવમુક્ત રહી મહેનત કરવા અને સારા ગુણ મેળવવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. અંતમાં સ્ટાફ અને ગ્રામજનોએ ભીની આંખે અને હરખભેર વિદ્યાર્થીઓને ભવિષ્યના લક્ષ્યો હાંસલ કરવા માટે આશીર્વાદ આપ્યા હતા.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




