
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ટેટ-1 પરીક્ષા: ફાઇનલ આન્સર કી ના વિલંબથી શિક્ષકોની ભરતી લટકી પડી – ઉમેદવારોમાં રોષ
મુંદરા,તા.9: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત તા. 21/12/2025 ના રોજ યોજાયેલી શિક્ષક યોગ્યતા કસોટી-1 (ટેટ-1) ની પરીક્ષાને 20 દિવસથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી ફાઈનલ આન્સર કી જાહેર ન થતા શિક્ષણ જગતમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી ઉમેદવારો પાસેથી સાત દિવસમાં વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી જેની સમયમર્યાદા 31/12/2025 ના રોજ પૂર્ણ થઈ ગઈ છે. આમ છતાં ફાઈનલ આન્સર કી અને પરિણામની જાહેરાતમાં થઈ રહેલો વિલંબ શંકા પ્રેરે છે.
સામાન્ય રીતે પેપર સેટ કરનાર તજજ્ઞો પાસે સાચા જવાબોની યાદી તૈયાર જ હોય છે ત્યારે આટલા લાંબા સમય સુધી આન્સર કી જાહેર ન થવી તે તજજ્ઞોની મૂંઝવણ દર્શાવે છે. 19 વર્ષના નવયુવાન ઉમેદવારો પાસે સાત દિવસમાં સરકારી પુસ્તકોના આધાર સાથે વાંધા રજૂ કરવાની અપેક્ષા રાખતું બોર્ડ પોતે નિર્ણય લેવામાં કેમ વિલંબ કરી રહ્યું છે? જો પ્રશ્નોના જવાબોમાં વિસંગતતા હોય તો વિવાદાસ્પદ તમામ પ્રશ્નોમાં ઉમેદવારોને ‘ગ્રેસિંગ માર્ક’ આપીને ન્યાય આપવો જોઈએ તેવી માંગ ઉઠી છે.
ગુજરાતમાં હાલ 10000 થી વધુ શિક્ષકોની ઘટ છે. ટેટ-1 નું સરેરાશ પરિણામ દર વર્ષે માત્ર 3 ટકા જેટલું જ આવતું હોય છે. ચાલુ વર્ષે 90000 થી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી છે જેમાંથી માંડ 5000 ઉમેદવારો પાસ થાય તેવી શક્યતા છે. આ સંજોગોમાં રાજ્યમાં 5000 થી વધુ શિક્ષકોની જગ્યાઓ ભરી શકાશે નહીં અને 50% જગ્યાઓ ખાલી રહી જશે. આ સંજોગોમાં પાયાના ધોરણ 1 થી 5 ના શિક્ષણને મજબૂત કરવા માટે પાસિંગ ધોરણ ઘટાડીને 50% કરવા અથવા ગ્રેસિંગ માર્ક આપી પરિણામ સુધારવા અંગે સરકાર ત્વરિત નિર્ણય લે તે જરૂરી છે.
ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય શિક્ષકોની ભરતી પર નિર્ભર છે. પરીક્ષા લેવામાં ભારે ઉતાવળ કરનાર તંત્ર પરિણામ પ્રકાશિત કરવામાં વિલંબ કરીને ભરતી પ્રક્રિયાને ખોરંભે પાડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી આ બાબતે દખલગીરી કરી વહેલી તકે ફાઈનલ આન્સર કી જાહેર કરાવે અને મેરિટમાં છૂટછાટ આપી મહત્તમ શિક્ષકોની ભરતી થાય તેવો નિર્ણય લે તેવી રાજ્યના હજારો ઉમેદવારો અને વાલીઓની માંગ છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



