KUTCHMUNDRA

નખત્રાણાની દેશલપર શાળાના જર્જરિત ઓરડાઓ જોખમી, છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ક્રિય

રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.

 

નખત્રાણાની દેશલપર શાળાના જર્જરિત ઓરડાઓ જોખમી, છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ક્રિય

 

ભુજ, તા. ૨૩/૦૯/૨૦૨૫ – નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામે આવેલી શ્રી દેશલપર (ગું) પ્રાથમિક ગ્રુપ શાળાના જર્જરિત ઓરડાઓ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ત્રણ મહિના પહેલા રજૂઆત કરવામાં આવી હોવા છતાં, તંત્ર કે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. આ પરિસ્થિતિ વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે.

શ્રી જગદીશ પી. દવે નામના અરજદારે ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ નાયબ કલેક્ટરશ્રી, નખત્રાણાને આ બાબતે લેખિત અરજી કરી હતી. અરજીમાં સ્પષ્ટ જણાવાયું હતું કે શાળાનો એક ઓરડો અત્યંત જર્જરિત હાલતમાં છે અને તે શાળાના મુખ્ય પ્રવેશદ્વારની બરાબર બાજુમાં જ આવેલો છે. અરજદારે સંભવિત અકસ્માત અને જાનહાનિ ટાળવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી હતી. આ સાથે, તેમણે જર્જરિત ઓરડાના ફોટોગ્રાફ્સ પણ જોડ્યા હતા.

અરજીમાં ભુજ તાલુકાના રતિયા ગામે તાજેતરમાં બનેલી શાળાની દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેથી સત્તાવાળાઓ આ બાબતની ગંભીરતા સમજી શકે. અરજદાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવીને વિદ્યાર્થીઓ માટે નવા બિલ્ડીંગનું નિર્માણ થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી.

જોકે, આ ગંભીર રજૂઆતને ત્રણ મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં, સ્થાનિક ધારાસભ્ય અને અન્ય ચૂંટાયેલા સભ્યો દ્વારા રજુઆત કરવા સિવાય કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ નિષ્ક્રિયતા સ્થાનિક લોકોમાં ભારે રોષનું કારણ બની છે. એક તરફ સરકાર શિક્ષણ અને સુરક્ષાને પ્રાધાન્ય આપવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ આવી ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જે શરમજનક છે.

સ્થાનિક નાગરિકો અને વાલીઓએ સરકાર, સ્થાનિક તંત્ર તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સુરક્ષાને જોખમમાં મૂકતી આ પરિસ્થિતિનો અંત લાવવા માટે અપીલ કરી છે. જો આ અંગે સત્વરે પગલાં લેવામાં નહીં આવે તો જન આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

 

(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)

Back to top button
error: Content is protected !!