દશામાં ફાટક પાસે અધૂરા અંડરપાસના કામથી હાલાકી : અંતિમ યાત્રા માટે નનામીને રેલવે પાટા પરથી પસાર કરવી પડી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા શહેરના દશામાં રેલવે ફાટક પાસે અંડરપાસનું કામ છેલ્લા બે વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ક્ષત્રિય સરગરા સમાજના જાફરાબાદ વિસ્તારમાં તાજેતરમાં એક અંતિમ યાત્રા દરમિયાન ડાઘુઓને બંધ રસ્તાને કારણે મૃતકની નનામીને રેલવે પાટા પરથી ઊંચી કરીને પસાર કરવાની ફરજ પડી હતી.
સ્થાનિકોએ જણાવ્યું કે રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેના પહેલા શરૂ થયેલા દશામાં ફાટક અને શહેરા ભાગોળના અંડરપાસનું કામ હજુ અધૂરું છે. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓ તથા આવનજાવન કરતા નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અંતિમ યાત્રા જેવી પવિત્ર વિધિમાં પણ અવરોધ ઉભો થતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મૃતકની નનામીને યોગ્ય માર્ગ ન મળતા તેને રેલવે પાટા પરથી પસાર કરવી પડી હતી, જે દુખદ પરિસ્થિતિ છે.
સ્થાનિકોએ સંબંધિત વિભાગોને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરીને રસ્તો ખુલ્લો મુકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.






