શાળા પ્રવેશોત્સવમાં યોજાશે ‘ત્રિવેણી સંગમ’: સરકારી શાળાઓમાં બાળકોના પ્રવેશ સાથે બદલી પામેલા શિક્ષકોની વિદાય અને ‘જ્ઞાન સહાયકો’ નું થશે ભવ્ય સ્વાગત!
૧૧,૦૦૦ ઉત્તીર્ણ ટેટ ઉમેદવારોની શિક્ષણહિતમાં નમ્ર માંગ: "વચગાળાની જ્ઞાન સહાયક તરીકેની સેવાને ભવિષ્યની કાયમી વિદ્યા સહાયક ભરતીના ૫ વર્ષના ફિક્સ પગારના ગાળામાં ગણવામાં આવે."

વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
શાળા પ્રવેશોત્સવમાં યોજાશે ‘ત્રિવેણી સંગમ’: સરકારી શાળાઓમાં બાળકોના પ્રવેશ સાથે બદલી પામેલા શિક્ષકોની વિદાય અને ‘જ્ઞાન સહાયકો’ નું થશે ભવ્ય સ્વાગત!
૦૦૦
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના સત્તાવાર પરિપત્ર મુજબ આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં યોજાશે ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’
૦૦૦
૧૧,૦૦૦ ઉત્તીર્ણ ટેટ ઉમેદવારોની શિક્ષણહિતમાં નમ્ર માંગ: “વચગાળાની જ્ઞાન સહાયક તરીકેની સેવાને ભવિષ્યની કાયમી વિદ્યા સહાયક ભરતીના ૫ વર્ષના ફિક્સ પગારના ગાળામાં ગણવામાં આવે.”
૦૦૦
ડિજિટલ ઇન્ડિયાના યુગમાં વહીવટી પારદર્શિતા: અગાઉ વિદ્યા સહાયક માટે વેરિફિકેશન કરાવી ચૂકેલા ઉમેદવારોનો માત્ર ‘અરજી ક્રમાંક’ લિંક કરી ઓનલાઇન ખરાઈ કરવા શિક્ષણવિદોમાં ઉઠતો સૂર
૦૦૦
જિલ્લા કક્ષાએ રૂબરૂ વેરિફિકેશનના ધક્કા બંધ થતાં સમય, ઇંધણ અને નાણાંની બચત થશે; પ્રવેશોત્સવના પ્રથમ દિવસથી જ નિષ્ણાંત શિક્ષકો શાળાઓને મળી જશે
મુંદરા, તા.૧૪:
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન-૨૦૨૬ દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. શિક્ષણ વિભાગના સત્તાવાર પરિપત્રના આદેશો અનુસાર આ વખતે શાળાઓમાં અનોખો ‘ત્રિવેણી સંગમ’ જોવા મળશે. જેમાં બાલવાટિકા અને ધોરણ-૧ ના ભૂલકાઓનો પ્રવેશ ઉત્સવ, તાજેતરમાં જિલ્લા ફેરબદલી પામેલા શિક્ષકોનો વિદાય ઉત્સવ અને વચગાળાની વ્યવસ્થા હેઠળ નવા નિમણૂક પામનાર જ્ઞાન સહાયકોનો ‘આવકાર ઉત્સવ’ એકસાથે ઉજવીને શૈક્ષણિક કાર્યને વેગવંતું બનાવવાનું આયોજન છે.
ટેટ પાસ લાયક ઉમેદવારોની વ્યાજબી માંગ: નામ ભલે અલગ છે પણ કામગીરી તો સરખી જ છે
ડિસેમ્બર ૨૦૨૫ માં લેવાયેલી ટેટ પરીક્ષામાં અંદાજે એક લાખ ઉમેદવારોમાંથી માત્ર ૧૧,૦૦૦ જેટલા તેજસ્વી ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૧૬,૨૨૦ જેટલી ખાલી જગ્યાઓ સામે ૧લી એપ્રિલ ૨૦૨૬ ના રોજ વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. પરંતુ કેટલીક કાયદાકીય અડચણો અને પ્રક્રિયાના વિલંબ વચ્ચે અટકી પડેલી આ ભરતી સાથે શાળાઓનું શૈક્ષણિક સત્ર ૮ જૂનથી શરૂ થઈ ચૂક્યું છે. માસૂમ બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરકારે ૧૧ માસના કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ યોજના અમલમાં મૂકી છે.
આ પરિસ્થિતિમાં લાયક ઉમેદવારોની એક બહુ જ સકારાત્મક અને ન્યાયિક માંગણી છે કે જો સરકાર માત્ર એટલી ખાતરી આપે કે— “જ્ઞાન સહાયક તરીકે આપેલી વચગાળાની સેવાને ભવિષ્યમાં જ્યારે તેઓ વિદ્યા સહાયક તરીકે કાયમી ધોરણે પસંદ થાય, ત્યારે પ્રથમ ૫ વર્ષના ફિક્સ પગારના ગાળામાં ગણી લેવામાં આવશે.” તો કૉલેજો કે અન્ય અન્ય ઉચ્ચ વેતનની નોકરીઓ છોડીને પણ પસંદગી પામેલા તમામ નિષ્ણાત શિક્ષકો તાત્કાલિક સરકારી પ્રાથમિક શાળાઓમાં જોડાવા તૈયાર થઈ જશે. આનાથી માત્ર મર્યાદિત અને લાયક ૧૧,૦૦૦ ઉમેદવારોને જ ભવિષ્યમાં લાભ આપવાનો રહેશે અને આનાથી હાલમાં સરકાર પર કોઈ નવું નાણાકીય ભારણ પણ નહીં આવે.
ટેકનોલોજીનો ઉપયોગ: જિલ્લા કક્ષાએ રૂબરૂ ધક્કા ખાવામાંથી મુક્તિ આપો
જ્ઞાન સહાયકની ઓનલાઇન ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે. આ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ઉમેદવારો પાસેથી માત્ર બે માસ અગાઉ વિદ્યા સહાયકની ભરતી વખતે ભરેલા ફોર્મનો ‘અરજી ક્રમાંક’ અપલોડ કરાવવાની જોગવાઈ ઉમેરવામાં આવે તો તંત્ર ટેકનોલોજીની મદદથી જ ડેટા વેરિફિકેશન કરી શકે છે. જ્યારે વૈશ્વિક સ્તરે ઇંધણની કટોકટી વચ્ચે સરકાર પોતાની તમામ તાલીમો અને મિટિંગો ઓનલાઇન પ્લેટફોર્મ પર લઈ રહી હોય ત્યારે ૧૧,૦૦૦ જેટલા બેરોજગાર ઉમેદવારોને ફરીથી એ જ સર્ટિફિકેટ્સ વેરિફિકેશન માટે જિલ્લા મથકોએ રૂબરૂ બોલાવવા તે સમય અને સંસાધનોનો વેડફાટ સાબિત થશે.
જો ઓનલાઇન ડેટા ખરાઈ પદ્ધતિ અપનાવાય તો ૨૧ જૂન સુધીમાં જ ભરતી પ્રક્રિયા આટોપીને ૨૨ તારીખે હુકમો આપી શકાય તેમ છે. પરિણામે ૨૩ તારીખના પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ દરેક શાળાને લાયક શિક્ષક મળી જશે જેથી બાળકોનું ભવિષ્ય પણ સુરક્ષિત થશે અને બદલી પામેલા જૂના શિક્ષકો પણ કોઈ પણ જાતના માનસિક ભાર વગર સમયસર પોતાના વતન જવા છૂટા થઈ શકશે. આ ‘ત્રિવેણી સંગમ’ યોજના ત્રણે પક્ષો માટે બંને હાથમાં લાડુ સમાન સાબિત થશે. જેનો એકંદરે તો સરકારને જ ફાયદો થશે.




વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



