
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
✂️ મુંદરા ખાતે વ્યવસાયલક્ષી સિલાઈ કોર્સની તાલીમાર્થી 37 બહેનોને પ્રમાણપત્ર વિતરણ
રતાડીયા, તા. 24: ધ્રબ યશ ફાઉન્ડેશન સંચાલિત યશ સ્ટડી સેન્ટર, મુંદરા દ્વારા તાજેતરમાં વ્યવસાયલક્ષી સિલાઈ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ત્રણ મહિનાનો કોર્સ પૂર્ણ કરનાર 37 બહેનોને સિલાઈના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કુરાને શરીફની તિલાવત અને નાત શરીફથી કરવામાં આવી હતી, જે આફરીન, આરબ, અફસાનાબેન અને ઝૈનબબેન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પી.ટી.સી. કોલેજના ભૂતપૂર્વ અધ્યાપક ડૉ.કેશુભાઈ મોરસાણીયાએ પોતાના પ્રવચનમાં ઉદ્યોગપતિ શ્રી સુલતાનભાઈ તુર્ક સાથેના પોતાના જૂના સંબંધોને વાગોળ્યા હતા. તેમણે સુલતાનભાઈના સરળ વ્યક્તિત્વ, દીર્ઘદ્રષ્ટિ અને સમાજમાં ‘સોઈની જેમ જોડવાનું’ કામ કરવાની ભાવનાની પ્રશંસા કરી હતી, તથા તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ડૉ.શિવાંગીબેન જોશી, ડૉ.તંઝીલબેન મુખી, ડૉ.તાહેરાબેન, ડૉ.આયસાબેન ખત્રી, ડૉ.કૃપાનાથબેન અને શિક્ષિકા ઝુબેદાબેન ખોજા સહિતના મહાનુભાવોએ તાલીમાર્થી બહેનોને સંતોષ ન માનતા આગળ વધવા અને પગભર થવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેથી તેમને અને તેમના પરિવારને લાભ મળી શકે. તેમણે સુલતાનભાઈ દ્વારા મહિલાઓને હંમેશા મળતા આર્થિક સહયોગની પણ સરાહના કરી હતી.
ધ્રબ હોસ્પિટલના પ્રમુખ તુર્ક રફીકભાઈ, તુર્ક સુલતાનભાઈ, મનાણી તંઝીલબેન અને સિલાઈ ટીચર સમીરાબેન ખોજા દ્વારા તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સિલાઈ ટીચર સમીરાબેન ખોજાએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બેચ પહેલા 307 બહેનોએ આ તાલીમ પૂર્ણ કરી છે. આ 37 બહેનોના સમાવેશ સાથે યશ સ્ટડી સેન્ટર અંતર્ગત કુલ 344 જેટલી બહેનોએ સિલાઈની વ્યવસાયિક તાલીમ પૂર્ણ કરેલ છે.
પ્રમાણપત્ર વિતરણ બાદ સુલતાનભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. મહિલાઓ શિક્ષિત અને આત્મનિર્ભર બને તેવા સુલતાનભાઈના સ્વપ્નને સાકાર કરવા માટે યશ સ્ટડી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તાલીમના કારણે અત્યારે ઘણી બહેનોએ પોતાનો વ્યવસાય શરૂ કરીને આત્મનિર્ભર બની છે અને તેઓ સુલતાનભાઈ તુર્ક પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




