આંગણવાડીની ઘટ છે, શાળાઓમાં ઓરડાઓની ઘટ છે, પીવાના પાણીની સમસ્યાને લઈને ચર્ચા થઈ:ચૈતર વસાવા
તાહિર મેમણ- ડેડીયાપાડા- 18/10/2025 – નર્મદા નાગરિકોના પ્રશ્નો અંગે ચર્ચા કરી ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
આજે નર્મદા જિલ્લમાં કલેકટર અને મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાએ સંકલન સમિતિની બેઠકમાં થયેલી વાતચીત મુદ્દે જણાવ્યું હતું કે, આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીની ઘટ છે, શાળાઓમાં ઓરડાઓની ઘટ છે જેને તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવામાં આવે એવી મેં રજૂઆત કરી હતી સાથે સાથે જિલ્લામાં આવતા સ્ટેટના અને નેશનલ હાઈવેના રોડ પર તાત્કાલિક ધોરણે પેચ વર્ક કરવામાં આવે તેમજ સાઈડમાં જે જાડી જાખરા ઊગી નીકળ નીકળેલા છે તેનું પણ કટીંગ કરવામાં આવે તેની રજૂઆત કરી હતી. તેમજ ગીર ગઢથી જુના રાજ રોડનું કામ ઘણા સમયથી બાકી છે તે DCF, કલેક્ટર બધાના સંકલનથી એનું સતવરે નિરાકરણ આવે એ બાબતે ચર્ચા થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકામાંથી લોકોના 17 જેટલા પ્રશ્નો હતા તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. મનરેગા રોજગારી દિવાળી પછી ચાલુ થાય,પીવાના પાણીની સમસ્યા છે એની પણ અમે રજૂઆત કરી છે. એટીવીટીમાં બહારના કોન્ટ્રાક્ટરોને સભ્યો બનાવ્યા છે એને પણ રદ કરવા માટે અને નવી કમિટી બનાવવા માટેની પણ મેં વાત કરી છે.આજે તમામ મુદ્દે ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા થઈ છે અને મને તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, 15મું નાણાપંચ 2020-21થી લઈને આજ દિન સુધી 10% જેટલા જે જિલ્લા કક્ષાના કામ હતા એ પણ પૂર્ણ થયા નથી. સાંસદ હોય કે મારી ગ્રાન્ટ હોય 2024ની ગ્રાન્ટના કામ પણ પૂર્ણ નથી થયા. જો અમારા જેવા ધારાસભ્ય સભ્ય અને સાંસદના કામ આ લોકો પૂર્ણ નથી કરતા ત્યારે સામાન્ય જનતાના કામ કંઈ રીતે કરશે. આગજન્ય ઘટનાઓથી જે ઘરો બળી ગયા છે એમને પણ વળતર મળે, કરજણ નદીમાં તણાઈ જવાથી બે બાળકોના આકસ્મિક મૃત્યુ થયા હતા તેમને પણ વળતર મળે એ તમામ બાબતોની પણ આજે ચર્ચા થઈ છે. ટૂંક સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે પરંતુ હજી સુધી વર્ષ 2020-21ના કામ પણ પૂર્ણ થયા નથી એને ફેરબદલ કરવાની વાત છે ત્યારે વહીવટી તંત્રની ભૂલ ના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે એ કરોડો રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાતા નથી અને બચત પેટે ફરીથી જમા થઈ જાય છે એ એક ગંભીર બાબત છે. વહીવટી તંત્ર એ આ બધી જ બાબતોમાં અમને આશ્વાસન આપ્યું છે કે દિવાળી પછી આ તમામ કામ સતવરે ચાલુ કરવામાં આવશે તેવી બાંહેધરી અમને આપી છે.