
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર મુંદરા કચ્છ.
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત : હાઈટેક સુવિધાઓ વચ્ચે ‘ગુરુ’ વિના શિક્ષણનું સ્તર જોખમાયું
મુંદરા, તા. 3:
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓને પીએમ શ્રી યોજના હેઠળ અત્યાધુનિક અને સ્માર્ટ બનાવવાની નેમ રાખવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હજારો શિક્ષકોની ઘટને કારણે બાળકોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. ખાસ કરીને કચ્છ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની અછત પરાકાષ્ઠાએ પહોંચી છે.
સ્થાનિક ભરતીનો નિર્ણય : માત્ર અન્ય માધ્યમો પૂરતો જ કેમ?
તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ માધ્યમની શાળાઓમાં શિક્ષણ ન બગડે તે માટે ટેટ પાસ ન હોય તેવા સ્થાનિક પીટીસી અને બી. એડ. ઉમેદવારોની 11 માસના કરાર આધારિત નિમણૂક આપવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણ જગતના નિષ્ણાંતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો અન્ય માધ્યમો માટે આ છૂટછાટ આપી શકાય તો ગુજરાતી માધ્યમની શાળાઓ માટે કેમ નહીં? કચ્છ જેવા ભૌગોલિક રીતે વિષમ જિલ્લાઓમાં જો સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે તો વારંવાર થતી બદલીઓ અને ખાલી જગ્યાઓની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
11,000 ટેટ પાસ ઉમેદવારોની ન્યાયની રાહમાં :
રાજ્યમાં હાલ ટેટ-1 પાસ કરેલા આશરે 11,000 જેટલા લાયક ઉમેદવારો નિમણૂકની રાહ જોઈ રહ્યા છે. સરકારના 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ચાલુ વર્ષે ધોરણ 1 થી 5 માં આશરે 15,000 જેટલી જગ્યાઓ પર ભરતી થવી જોઈએ. લાયક ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં મુઠ્ઠીભર અસંતુષ્ટ તત્વો દ્વારા કરવામાં આવતા કાયદાકીય અવરોધોને કારણે સમગ્ર ભરતી પ્રક્રિયા ખોરંભે પડી હોય તેવું જણાય છે. શિક્ષણ વિભાગે આ પાયાવિહોણા વિરોધને નજરઅંદાજ કરી બહુમતી વાળા લાયક ઉમેદવારોના હિતમાં ત્વરિત નિર્ણય લેવો જોઈએ.
શિક્ષક વિના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે?
જીસીઈઆરટી દ્વારા આગામી 10 માર્ચ સુધીમાં બાલવાટિકા અને ધોરણ 1-2 ના બાળકોનું સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કરવા આદેશ અપાયો છે. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યાં શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે અથવા જ્યાં શિક્ષકોની ભારે ઘટ છે ત્યાં આ મૂલ્યાંકન કરશે કોણ અને કેવી રીતે કરશે? નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે જે ‘ભણશે ગુજરાત’ ના નારા સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
જો સરકાર વહેલી તકે શિક્ષકોની ઘટ પૂરી નહીં કરે તો સ્માર્ટ ક્લાસ અને ડિજિટલ લાઈબ્રેરી જેવા ભૌતિક સાધનો શિક્ષકો વિના નિરર્થક સાબિત થશે.
—————————
મુખ્ય માંગણીઓ:
* ગુજરાતી માધ્યમની શાળાઓમાં પણ ખાલી જગ્યાઓ પર સ્થાનિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ત્વરિત ભરતી કરવામાં આવે.
* ટેટ પાસ 11,000 ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્ર પૂર્વે નિમણૂક આપીને ન્યાય આપવામાં આવે.
* ભરતી કેલેન્ડર મુજબની તમામ 15,000 જગ્યાઓ પર પારદર્શક રીતે પ્રક્રિયા પૂર્ણ થાય.
* પીટીસી બીજા વર્ષના ઉમેદવારોને પરિણામની શરતે અરજી કરવાની તક આપી ભરતી પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




