પંચમહાલ જિલ્લામાં પોષણ પખવાડીયાની ઉજવણી કરાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
સમગ્ર ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત એપ્રિલની પોષણ પખવાડિયા – 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે.
આ ઉજવણી દરમિયાન આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર અને તેમની ટીમ દ્વારા સગર્ભા તેમજ ધાત્રી બહેનોને આંગણવાડીમાં તેમજ ઘરે-ઘરે જઈને પોષણ અંગેની તેમજ બાળકની ૧૦૦૦ દિવસ દરમિયાન કાળજી રાખવા અંગેની સમજણ આપવામાં આવી. આ દરમિયાન મહિલાઓને સારું પોષણ એ સર્વાંગી સુખાકારીનો પાયો છે અને રાષ્ટ્રના સ્વાસ્થ્ય અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે તેમ જણાવી ગર્ભાવસ્થા દરમિયાન પૂરતું પોષણ સ્વસ્થ બાળકોના જન્મમાં ફાળો આપે છે તેમજ ગર્ભધારણના પ્રથમ 1000 દિવસ દરમિયાન પોષણની પ્રાથમિકતા આપવી એ પેઢી દર પેઢીના કુપોષણના ચક્રને તોડવા માટે પણ મહત્વપૂર્ણ છે તેમ સમજાવ્યુ હતુ.
વિકસિત ભારતના નિર્માણમાં કુપોષણ મુક્ત ભારતનું નિર્માણ અત્યંત મહત્વનું છે જેમાં પોષણ અભિયાન એક નિર્ણાયક પગલું સાબિત થઈ રહ્યું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વર્ષમાં બે વખત સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ અને માર્ચ-એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે.





