
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના હસ્તે આજ રોજ ટીબી મુક્ત પંચાયતોના સરપંચશ્રીઓ અને તલાટીઓને સર્ટિફિકેટનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તા. ૨૪ માર્ચ ‘વિશ્વ ક્ષય નિવારણ દિવસ’ નિમિત્તે જૂનાગઢ જિલ્લાએ આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લા આરોગ્ય વિભાગની એક વર્ષની સખત મહેનતના પરિણામે જિલ્લાની ૪૯૩ પંચાયતોમાંથી ૬૭% એટલે કે ૩૨૯ ગામોને સફળતાપૂર્વક ટીબી મુક્ત (TB Free) જાહેર કરવામાં આવ્યા છે.
નિયમ મુજબ સતત સર્વેલન્સ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના આધારે આ સફળતા મળી છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગામોને ત્રણ શ્રેણીમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. જેમા ૧૧૮ ગામોને ગોલ્ડ સર્ટિફિકેટ,૧૨૦ ગામોને સિલ્વર સર્ટિફિકેટ,૯૧ ગામોને બ્રોન્ઝ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવય છે. આ સફળતા બદલ જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ, મેડિકલ ઓફિસર્સ, આશા બહેનો, MPJW અને લેબોરેટરી ટેકનિશિયન સહિતના કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા. આ નિમિત્તે સરપંચશ્રીઓ અને તલાટીઓને સર્ટિફિકેટનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ જિલ્લા ક્ષય અધિકારી શ્રી ચંદ્રેશ વ્યાસના જણાવ્યા મુજબ આજથી જિલ્લામાં ૧૦૦ દિવસના નવા ટીબી મુક્ત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ જિલ્લાના એવા ૧૩૭ ગામોની પસંદગી કરવામાં આવી છે જ્યાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ઉમેર્યુ હતુ કે, આ અભિયાનની મુખ્ય વિશેષતા હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન નો ઉપયોગ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને હાઈ-રિસ્ક ધરાવતા લોકો, જેમ કે ડાયાબિટીસ કે એચ.આઈ.વી. પોઝિટિવ દર્દીઓ અને જૂના ટીબી દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનું સ્ક્રિનિંગ અને સ્થળ પર જ એક્સ-રે કરવામાં આવશે. જો જરૂર જણાય તો સેમ્પલ લઈ ત્વરિત સારવાર શરૂ કરી આગામી દિવસોમાં આ ગામોને પણ ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ તકે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સાલવી ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




