અમદાવાદના GCRI ખાતે 44 કરોડના અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું લોકાર્પણ : કેન્સરના ચોક્કસ નિદાન અને સારવાર ક્ષેત્રે ગુજરાતે ભર્યું મોટું પગલું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત ધ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), મેડિસિટી, અમદાવાદમાં ન્યૂક્લિયર મેડિસિન વિભાગને વધુ સશક્ત બનાવવા માટે 44 કરોડના ખર્ચે વસાવાયેલા અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
નવી PET-CT અને SPECT-CT ટેકનોલોજી હવે ગુજરાતમાં કેન્સરના ચોક્કસ નિદાન અને સમયસર યોગ્ય સારવાર માટે માઈલસ્ટોન સાબિત થવાની છે. PET-CT મશીનનું વેલ્યુએશન લગભગ 26 કરોડ અને SPECT-CT મશીન 18 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવ્યું છે. સમગ્ર 44 કરોડના પેકેજમાં 10 વર્ષ સુધીની મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ અને સિવિલ વર્કનો પણ સમાવેશ થાય છે.
આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત માત્ર રાજ્ય નહીં પરંતુ દેશભરના દર્દીઓ માટે સારવારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. GCRI દર વર્ષે લાખો દર્દીઓને સારવાર આપે છે. અદ્યતન ટેકનોલોજી ઉમેરાતી રહેતાં હવે વિશ્વસ્તરીય સુવિધાઓ વધુ મજબૂત થશે. મોદીનાં નેતૃત્વ હેઠળ દેશમાં આધુનિક આરોગ્યસુવિધા ઝડપથી વિકસી રહી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે રાજ્યના આરોગ્ય કર્મચારીઓની નિષ્ઠાનું પણ વખાણ કર્યું.
નવી PET-CT સુવિધા 128 સ્લાઈસ CT, લ્યુટીશિયમ બેઝ્ડ ક્રિસ્ટલ અને હાઈ રિઝોલ્યુશન ઈમેજિંગ સોફ્ટવેર સાથે સજ્જ છે. કેન્સરના સ્ટેજિંગ, રિકરેન્સ અને પ્રોગ્રેશનનું નિદાન હવે વધુ ઝડપી અને ચોક્કસ રીતે થશે. ઉપરાંત દર્દીઓને પ્રોસ્ટેટ કેન્સર માટે PSMA PET-CT, ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર માટે DOTANOC PET-CT અને GI ટ્યુમર તથા મુશ્કેલ મેલિગ્નન્સી માટે FAPI PET-CT જેવા સ્કેનની સુવિધા પણ GCRI ખાતે ઉપલબ્ધ થશે.
સાથે જ SPECT-CT સુવિધા દ્વારા બોન સ્કેન, રેનલ ફંક્શન સ્કેન, થાયરોઇડ સ્કેન, કાર્ડિયાક સ્કેન, લિવર અને લંગ પરફ્યુઝન સ્કેન સહિતના મહત્વપૂર્ણ ન્યુક્લિયર ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એક જ સેન્ટરમાં થઈ શકશે. આ ટેકનોલોજી ઈમેજિંગ અને એનાટમિકલ માહિતી એક સાથે પૂરું પાડે છે, જેના કારણે સારવારની પ્લાનિંગ વધુ અસરકારક બને છે.
વિશેષજ્ઞોના મતે, આ મશીનો ઉમેરાતા ગુજરાતમાં કેન્સર સારવારની ગુણવત્તા નવી સપાટીએ પહોંચશે અને હજારો દર્દીઓને સમયસર ચોક્કસ નિદાનથી જીવલેણ કેન્સર સામે લડવામાં મોટી મદદ મળશે.
લોકાર્પણ કાર્યક્રમમાં GCRIના ચેરમેન પંકજ પટેલ, કેન્સર સોસાયટીના જનરલ સેક્રેટરી ક્ષિતીશ મદનમોહન, સેક્રેટરી કૌશિક પટેલ, દિવ્યેશ રાડિયા, GCRIના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યા સહિત તબીબી સ્ટાફ અને સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. GCRI દ્વારા જણાવાયું કે ટૂંક સમયમાં વધુ આધુનિક સારવાર મોડ્યુલ અને સંશોધન સુવિધાઓ ઉમેરવા માટે આયોજન તૈયાર છે.








