AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદના સ્થાપના દિવસ પૂર્વે માણેક બુરજ ખાતે ‘સાબરમતી નેવિગેશન ૧૮૯૪ બ્લુપ્રિન્ટ’ ગ્રંથનું લોકાર્પણ, શહેરના અધૂરા મેરીટાઈમ સ્વપ્નને મળ્યું નવું પરિમાણ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ શહેરના ઐતિહાસિક માણેક બુરજ ખાતે ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરી દ્વારા લખાયેલ ‘સાબરમતી નેવિગેશન અનફૂલફિલ્ડ ૧૮૯૪ બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતા રહી હતી. કાર્યક્રમમાં શહેરના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ડો. રિઝવાન કાદરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ ગ્રંથ તેમના લાંબા ગાળાના સંશોધન પર આધારિત છે. વર્ષ ૧૮૯૪ દરમિયાન ખંભાતના અખાતથી ચેનલ મારફતે દરિયાનું પાણી અમદાવાદ સુધી લાવી શહેરને મેરીટાઈમ સીટી તરીકે વિકસાવવાનો એક મહત્વાકાંક્ષી પ્રસ્તાવ રજૂ થયો હતો. તે સમયની બ્રિટિશ સરકારે આ યોજનાને મંજૂરી ન આપતાં આ સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. તેમ છતાં, આજના સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ જેવા પ્રકલ્પો દ્વારા શહેર અને નદી વચ્ચેનો સંબંધ નવી રીતે જીવંત બન્યો છે, જે આ ઐતિહાસિક કલ્પનાને ભાગ્યે સાકાર કરે છે.

ગ્રંથમાં તે સમયના નકશા, દસ્તાવેજો અને બ્લુપ્રિન્ટનો વિગતવાર અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. પુસ્તક શહેરના ઇતિહાસપ્રેમીઓ, સંશોધકો અને નગરયોજકો માટે મહત્વપૂર્ણ સાહિત્યરૂપ સાબિત થશે. આ પ્રકાશન દ્વારા અમદાવાદના વિકાસમાં નદીની ભૂમિકા અને શહેરના દુરંદેશી આયોજનને નવી દિશામાં સમજવાની તક મળશે.

કાર્યક્રમ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાની, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન આઈ.પી. ગૌતમ, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર પી. કે. ઘોષ, સંજયભાઈ પ્રસાદ, અમરજીતસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શહેરના ઇતિહાસને દસ્તાવેજીકૃત કરવાની આ પહેલને વખાણી હતી.

માણેક બુરજ જે અમદાવાદની સ્થાપનાની સાક્ષી ધરાવે છે, ત્યાં આ પ્રકારના ઐતિહાસિક ગ્રંથનું લોકાર્પણ થવું પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે. શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને ભવિષ્યની સંભાવનાઓ વચ્ચેનું જોડાણ રજૂ કરતું આ પુસ્તક અમદાવાદના નાગરિકોમાં ગૌરવ અને જાગૃતિનું ભાવ જગાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!