Rajkot: રાજકોટમાં ‘હેરિટેજ ક્વિઝ’ સ્પર્ધા થકી વિદ્યાર્થીઓને ભારતના ઐતિહાસિક વારસા-વૈવિધ્યનું જ્ઞાન મળ્યું

તા.૧૯/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ઈનટેક આયોજિત ‘હેરિટેજ ક્વીઝ ૪.૦’માં ૨૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
વિજેતા વિદ્યાર્થીઓ ઓક્ટોબરમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
Rajkot: રાજકોટમાં હાલમાં ઈનટેક (ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ) દ્વારા જિલ્લા કક્ષાની ‘હેરિટેજ ક્વિઝ ૪.૦’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આપણા રાષ્ટ્રીય વારસા પ્રત્યે જિજ્ઞાસા વધારવાનો અને પોતાના જ્ઞાન અને કૌશલ્યને સ્પર્ધાત્મક રીતે રજૂ કરી શકે તેવો હતો.
આ ક્વિઝ આત્મીય યુનિવર્સિટીના મુખ્ય ઓડિટોરિયમમાં સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લાની કુલ ૧૮ શાળાઓના ધોરણ ૭ થી ૧૦ના ૨૩૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા બે રાઉન્ડમાં યોજાઈ હતી: પ્રથમ રાઉન્ડમાં લેખિત પ્રશ્નો અને બીજા રાઉન્ડમાં મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
બે રાઉન્ડના અંતે, જીનીયસ સ્કૂલના દેવ દેપાણી અને આરવ પાંભર વિજેતા બન્યા હતા. જ્યારે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ, વેસ્ટવુડ અને આત્મીય સ્કૂલના વિદ્યાર્થીઓ રનર્સ અપ રહ્યા હતા. તમામ વિજેતાઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિજેતા વિદ્યાર્થીઓ હવે ઓક્ટોબર મહિનામાં યોજાનારી સ્ટેટ લેવલ ક્વિઝમાં રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે.
સ્પર્ધામાં જ્ઞાન સાથે મનોરંજન પૂરું પાડવાના હેતુથી, બે રાઉન્ડ વચ્ચે જાણીતા ગાયકો ભરતદાન ગઢવી અને હાર્દિક વૈષ્ણવ દ્વારા લોકસંગીતની સંગીતમય પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આત્મીય સ્કૂલના પ્રિન્સિપાલ સ્વસ્તિક દીદી, વિરાણી સાયન્સ ઇન્સ્ટિટ્યુટના પ્રિન્સિપાલ ડૉ. કે.ડી. લાડવા, આત્મીય યુનિવર્સિટીના શ્રી જિગ્નેશભાઈ રાઠોડ, સિંહાર ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિવેક સિંહાર અને રોઝરી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ડિરેક્ટર ડૉ. વિશાલ વારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ક્વિઝ માસ્ટર તરીકે હિરેન આચાર્યએ સેવા આપી હતી.
ઈનટેક રાજકોટ ચેપ્ટરના કન્વિનર રિદ્ધિ શાહે જણાવ્યું કે, દર વર્ષે આવી ક્વિઝ યોજવામાં આવે છે. આ વર્ષે આ સ્પર્ધાની ચોથી સીઝન છે. બાળકોમાં ખૂબ ઉત્સાહ અને હોંશ હોય છે. જો તેમને શાળા અને શિક્ષકો તરફથી સહકાર મળે તો તેઓ શ્રેષ્ઠ કાર્ય કરવા તત્પર હોય છે. આ આયોજન થકી ભવિષ્યમાં વારસાના જતન તેમજ આપણા મૂલ્ય સંવર્ધનની શક્યતાઓમાં વધારો થતો જણાય છે.
આ સમગ્ર આયોજનની સફળતા માટે નિયતિ શાહ, હેમાંગી પટેલ, સાગર પંખાણિયા, હિતાક્ષી વાઘેલા, દેવાંશી જાની અને ચેતસ ઓઝાએ જહેમત ઉઠાવી હતી. ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, કિચ સ્કૂલ ઓફ ડિઝાઇન અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇનના સ્વયંસેવકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. અંતમાં, ઈનટેક રાજકોટ ચેપ્ટરની ટીમે તમામ સહભાગી શાળાઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.







