Navsari:-પ્રાકૃતિક ખેતી:કુદરતી ખેતીમાં પાણી નહીં, છોડ-વૃક્ષને ‘વરાપ’ની જરૂર ! જાણો વરાપના મહત્વ અને નિર્માણ વિશે..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી:- દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ:-પાક ઉત્પાદન માટે ખેડ, ખાતર અને પાણી અતિ મહત્વના અને પાયાના પરિબળો છે. એમ કહેવાય છે ને કે, ‘ખેડ, ખાતર ને પાણી – ઉપજને લાવે તાણી’. પરંતુ આજનો આ અહેવાલ પાણી કરતા પણ વધારે પાક ઉત્પાદન માટે જરૂરી વરાપનું મહત્વ સમજાવશે. અને એટલું સુનિશ્ચિત છે કે, વરાપનું મહત્વ સમજ્યા પછી ખેડૂતો યોગ્ય પગલા ભરીને તેમની ખેતીને વધુ સારી બનાવી શકે છે.
હંમેશા સામાન્ય લોકો અથવા ખેડૂતો કહે છે કે, છોડના મૂળને પાણી જોઈએ. હકીકતમાં મૂળને પાણી જોઈતું નથી, પરંતુ છોડના મૂળને ભેજની જરૂરિયાત હોય છે એટલે કે વરાપ જોઈએ. જમીનની અંદર જમીનના બે કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, તેમાં પાણી જોઈતું નથી, પરંતુ તે ખાલી જગ્યામાં ૫૦ ટકા વરાળ અને ૫૦ ટકા હવાનું પ્રમાણ જરૂરી છે, આ સ્થિતિને વરાપ કહે છે.
જ્યારે ખેડૂત બે કણો વચ્ચે પાણી ભરી દે છે, ત્યારે ત્યાંની હવા ઉપર નીકળી જાય છે, જેનાથી મૂળ અને જીવાણુઓને ઓક્સિજન મળતો નથી અને તે મરી જાય છે અથવા તો પાક પીળો પડી જાય છે. ક્યારેક પાક સૂકાઈ પણ જાય છે, તેથી કુદરતી ખેતીમાં પાણી એટલું જ આપવું જોઈએ, જેથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે અર્થાત્ પાણી ન ભરાય.
હવે તમને થશે કે આ વરાપનું નિર્માણ કઈ રીતે કરવું ? તો પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોને એ પણ જણાવી દઈએ. કોઈ પણ વૃક્ષ-છોડ પર બપોરના સમયમાં મૂળ વરાપ લેતા હોય છે. છાંયડાની અંદર આ પ્રક્રિયા થતી નથી. કારણ કે, જ્યારે પાણી છાંયડામાં ભરાય છે, ત્યારે વરાપનું નિર્માણ થતું નથી, પરંતુ મૂળ સડવા લાગે છે. આ નુકસાનથી બચવા માટે છાંયડામાંથી બહાર નાળું કાઢવું જોઈએ અને થડ પર માટી ચડાવવી જોઈએ.
વરાપના મહત્વ વિશે વધુ જાણીએ તો, વરાપ એ છોડના વિકાસ માટે તો ખૂબ જરૂરી છે જ, પરંતુ તેના કારણે છોડ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સરળતાથી કરી શકે છે અને ખોરાક બનાવી શકે છે. વરાપને કારણે જમીનમાં રહેલા પોષક તત્વો છોડને સરળતાથી મળી રહે છે. વરાપને કારણે છોડ રોગો અને જીવાતોથી પણ સુરક્ષિત રહે છે.
પણ અહીં યાદ રહે કે, વરાપનું પ્રમાણ યોગ્ય હોવું ખૂબ જરૂરી છે. જો વરાપનું પ્રમાણ ઓછું હોય તો છોડ સૂકાઈ જાય છે અને જો વરાપનું પ્રમાણ વધારે હોય તો છોડમાં રોગો અને જીવાતો લાગવાની શક્યતા વધી જાય છે.