વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બની શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં વધારો કર્યો

2 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૬ વિધાનસભાના અધ્યક્ષશ્રીએ સફાઈ કર્મીઓને બિરદાવ્યા અને શ્રદ્ધાળુઓને સ્વહસ્તે અલ્પાહાર પીરસી સેવા બજાવી.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી ગબ્બર પર ૫૧ શક્તિપીઠોનું સ્વપ્ન સાકાર થયું: પરિક્રમા મહોત્સવ ગુજરાતની આધ્યાત્મિક વિરાસતને વેગ આપે છે: અધ્યક્ષશ્રી શંકરભાઈ પર્યાવરણ સંરક્ષણ માટે ‘પ્રકૃતિનું જતન’ કરવાનો અધ્યક્ષશ્રીનો ઉપસ્થિત શ્રધ્ધાળુઓને સંદેશ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ત્રિ- દિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’ના અંતિમ દિવસે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પરિક્રમા મહોત્સવમાં સહભાગી બની માઁ જગદંબાના આશીર્વાદ સાથે પરિક્રમામાં જોડાયા હતા. અધ્યક્ષશ્રીએ મહાનુભાવો સાથે ગબ્બર પરિક્રમા પથ પર પદયાત્રા કરી તમામ ૫૧ શક્તિપીઠોના ભાવપૂર્વક દર્શન કર્યા હતા, જેનાથી ત્યાં ઉપસ્થિત લાખો શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને ઉમંગમાં અનેરો વધારો થયો હતો.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, જ્યાં માઁ જગદંબાનું હૃદય બિરાજમાન છે તેવા પવિત્ર અંબાજી ધામ ખાતે ગબ્બરની પરિક્રમા કરવી એ એક અલૌકિક લ્હાવો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માઈભક્તો એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન કરી ધન્યતા અનુભવે છે તે ખૂબ જ આનંદની વાત છે. આ ત્રણ દિવસીય મહોત્સવ હવે એક ભવ્ય મેળાનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, જે ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને વેગ આપી રહ્યો છે.
પરિક્રમા પથના નિર્માણ પાછળના વિઝનને યાદ કરતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સંકલ્પ કર્યો હતો કે શ્રદ્ધાળુઓ દેશ – વિદેશમાં ફેલાયેલી તમામ ૫૧ શક્તિપીઠોના દર્શન એક જ સ્થાને કરી શકે. તેમના આ ભગીરથ સંકલ્પને કારણે જ આજે ગબ્બર ખાતે હૂબહૂ ૫૧ શક્તિપીઠોનું ભવ્ય નિર્માણ થયું છે. આ તકે તેમણે માઁ જગદંબા સમક્ષ તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી અને સાથે જ ઉપસ્થિત લોકોને ‘પ્રકૃતિનું જતન’ કરવા માટે ખાસ આહવાન કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.અધ્યક્ષશ્રી શંકરભાઈએ પ્રેરણાદાયી અભિગમ દાખવતા પરિક્રમા પથ પર સતત કાર્યરત સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી હતી અને તેમને વ્યક્તિગત રીતે મળીને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, તેમણે ‘જય જલીયાણા કેમ્પ’ની મુલાકાત લઈને શ્રદ્ધાળુઓને પોતાના હાથે અલ્પાહાર પીરસીને સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે સમગ્ર અંબાજી ‘બોલ માડી અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આ પરિક્રમા મહોત્સવમાં યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવશ્રી રમેશ મેરઝા, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, બનાસ બેન્કના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર સહિત વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.





