GUJARATKUTCHMANDAVI

મધ્યપ્રદેશની મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર ભુજ દ્વારા પરિવાર સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું.

મહિલાનું કાઉન્સિલિંગ કરીને તેમના પરિવારની ભાળ મેળવી પરિવાર સાથે પુન:મિલન કરાવતા ભાવભર્યા દશ્યો સર્જાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી,તા-30 એપ્રિલ  : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક સંકલિત સેવાઓ પૂરી પાડવાના ઉદે્શ્યથી સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે. ત્યારે આ સેન્ટરના માધ્યમથી અનેક મહિલાઓને મદદ મળી રહી છે. તાજેતરમાં મધ્યપ્રદેશની મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી તેના પરિવાર સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.કચ્છમાં ભુજ ખાતે આ સખી વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરીના નેજા હેઠળ મુક્ત જીવન સર્કલ, બાયપાસ રોડ ભુજ કચ્છ ખાતે ૨૪*૭ કાર્યરત છે.આ સેન્ટર ખાતે તા-૨૬/૦૪/૨૦૨૫ના રોજ અભયમ હેલ્પલાઈન મારફતે મધ્યપ્રદેશની મહિલાને રાત્રિના ૧૨.૩૦ કલાકે મદદ માટે રીફર કરવામાં આવી હતી. આ મહિલા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કનવાળા ગામની રહેવાસી હતી. આ મહિલાને સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા બાદ તેનું કાઉન્સિલિંગ કરતા તેને પોતાનાં ઘર પરિવારના સરનામાં કે કોઈ ફોન નંબર યાદ ન હતા. મહિલા અન્ય રાજ્યની હોવાથી ભાષા સમજવામાં પણ થોડી મુશ્કેલી થતી હતી પરંતુ સખી વન સ્ટોપ સેન્ટર ભુજ દ્વારા ગૂગલ મારફતે મહિલાને કનવાળા ગામના સ્થાનિક તેમજ સરકારી મકાનોના ચિત્રો બતાવી ગામની ઓળખ પાકી કરવામાં આવી હતી. આ સાથે ત્યાંના નંબર શોધવાના પ્રયાસો કરતા આખરે કનવાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક થયો હતો. આ મહિલા ત્યાંના રહેવાસી છે તેની ખાતરી કરી સખી વન સ્ટોપ સેન્ટરનાં કર્મચારીઓ સતત પોલીસના સંપર્કમાં રહીને અન્ય તમામ સંલગ્ન માહિતી મેળવી હતી. આખરે તેમના પરિવારની વિગતો મળતા કનવાળા મધ્યપ્રદેશનાં પોલીસ કર્મચારી અને મહિલાનો પરિવાર તા-૨૯/૦૪/૨૦૨૫નાં રોજ ભુજ ખાતે આવી પહોંચ્યો હતો. મહિલાનું પરિવાર સાથે પુન:મિલન થતાં ભાવભર્યા દશ્યો સર્જાયા હતા. પરિવારને જોઈ મહિલાની આંખમાં હરખના આંસુ વહી નીકળ્યા હતા. પરિવારમાં મહિલાના પુનઃસ્થાપનમાં મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે, કેન્દ્રના સંચાલક ભાવનાબેન તથા સખી વન સ્ટોપ સેન્ટના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!