આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”
બનાસકાંઠા જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

25 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠામાં આંગણવાડી, બાલવાટિકા, ધો.૧ અને ધો.૯માં કુલ ૧.૬૫ લાખથી વધુ બાળકો પ્રવેશ મેળવશે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી થરાદ તાલુકામાં ત્રણ દિવસ દરમિયાન કુલ ૯ શાળાઓમાં બાળકોને અપાવશે પ્રવેશ રાજ્યમાં શાળાએ જવા પાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ “શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ” ની ૨૩મી કડી તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન યોજાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ૨૦૦૨-૦૩માં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ વર્ષે ૨૩મો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ની થીમ સાથે ઉજવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ તા.૨૬ જુનથી ૨૮ જૂન દરમિયાન જિલ્લાના તમામ ૧૪ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ, જિલ્લા કક્ષાના વર્ગ ૧ અને ૨ના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી થરાદ તાલુકાની જુદી જુદી ૯ શાળાઓમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી.એમ.પટેલએ જણાવ્યું કે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લામાં કુલ ત્રણ દિવસ માટે ૧૪૦ રૂટ નક્કી કરાયા છે. આ વર્ષે બનાસકાંઠામાં આંગણવાડીમાં કુલ ૧૨,૯૫૬ બાલવાટિકામાં ૩૭,૮૦૦ ધો.૧માં ૫૨,૨૦૭ અને ધો.૯માં ૬૨,૭૯૩ વિદ્યાર્થીઓ મળી કુલ ૧,૬૫,૭૫૬ બાળકો પ્રવેશ મેળવશે. તેમણે કહ્યું કે, રાજ્યના ૨૨ ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ બનાસકાંઠામાં શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં પદાધીકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.




