GUJARAT:ખેડૂતોએ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવવા અપડેશન બાદ આજથી નોંધણી માટે પોર્ટલ પુનઃ કાર્યરત થયું છે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

પ્રથમ દિવસે પોર્ટલ પર એકસાથે અસંખ્ય ખેડૂતોએ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવતા પોર્ટલ ક્રેશ થયું હતું
અપડેશન બાદ આજથી નોંધણી માટે પોર્ટલ પુનઃ કાર્યરત થયું છે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
નોંધણી પ્રક્રિયા તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે; જરૂર જણાશે તો બાકી રહી ગયેલા ખેડૂતો માટે સમયમર્યાદા લંબાવવામાં આવશે
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત તા. ૧ સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી.
આ બાબતની જાણ થતા કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજ તા. ૨ સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ છે. ખેડૂતો આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોઈપણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાયે સમય મર્યાદા વધારવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે, જેથી ખેડૂત મિત્રોએ બિનજરૂરી ધસારો ન કરીને સહકાર આપવા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો.







