ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે ગોધરામાં કરુણા અભિયાન હેઠળ 17 ટીમો તૈનાત રહેશે.

ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા :
ગોધરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને વન વિભાગે 10 દિવસ માટે કરુણા અભિયાન શરૂ કર્યું છે. પતંગની ધારદાર દોરીથી ઘાયલ થતાં પશુ-પક્ષીઓની સારવાર માટે જીવ કલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટના સહયોગથી 17 વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.
ગોધરાના પશુ ચિકિત્સક અધિકારી એન.એમ. ગોસાઈના જણાવ્યા અનુસાર, જિલ્લાના દરેક તાલુકામાં પશુ દવાખાના ખાતે કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોઈપણ સ્થળે પતંગની દોરીથી પશુ-પક્ષી ઘાયલ થાય તો તેમને તાત્કાલિક ગોધરાના પશુ દવાખાને લાવવામાં આવશે, જ્યાં તમામ પ્રકારની સારવાર સુવિધાઓ અને પાંજરાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ઉત્તરાયણની ઉજવણી દરમિયાન અબોલ પશુ-પક્ષીઓને થતી ઈજાઓનું તાત્કાલિક નિવારણ થઈ શકે. આ અભિયાન દ્વારા સરકાર અને સામાજિક સંસ્થાઓ સંયુક્ત રીતે પશુ-પક્ષીઓના રક્ષણ માટે કટિબદ્ધ છે.





