
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ખનીજ માફિયાઓ બેફામ હોવાના જીવતા જાગતા પુરાવા ,બાજકોટ વિસ્તારની નવી માર્કેટયાર્ડ સામે આવેલી સરકારી પડતર જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન ઝડપાયું
અરવલ્લી જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના વધુ એક જીવતા જાગતા પુરાવા સામે આવ્યા છે. મોડાસા શહેરના બાજકોટ વિસ્તારની નવી માર્કેટયાર્ડ સામે આવેલી સરકારી પડતર જમીનમાં મોટા પાયે ગેરકાયદેસ ખનીજ ચોરી ચાલી રહી હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખનીજ માફિયાઓ દ્વારા લાખોથી કરોડો રૂપિયાની કિંમતી ખનીજની ગેરકાયદેસર ચોરી કરવામાં આવી રહી હતી. આશ્ચર્યની બાબત એ છે કે એટલી વિશાળ માત્રામાં ખનીજ ચોરી છતાં ભૂસ્તર (ખાન-ખનીજ) વિભાગ લાંબા સમય સુધી અજાણ કેમ રહ્યું તે મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે.આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જાગૃત નાગરિક તથા એક મીડિયા કર્મીએ ખાન-ખનીજ વિભાગના અધિકારીને જાણ કરી હતી. જાણ મળતાં જ ભૂસ્તર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.ચર્ચા મુજબ ઘટના સ્થળે પહોંચેલી ભૂસ્તર વિભાગની ટીમે ખનીજ માફિયાઓ સાથે લગભગ ચાર કલાક સુધી ગુપચુપ રીતે ચર્ચા કર્યા બાદ અંતે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર બે ડમ્પર તથા એક હિંચાટી (મશીનરી) જપ્ત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.આ વચ્ચે ખનીજ માફિયાઓના નજીકના કેટલાક લોકો દ્વારા સમગ્ર મામલો દબાવવા માટે ભલામણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ખનીજ ચોરીના કારણે આસપાસ આવેલી રહેણાંક સોસાયટીઓને નુકસાન થવાની ભીતિ પણ ઊભી થઈ છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશો દ્વારા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે







