GUJARAT
માલસર ગામે મોડી રાત્રે દીપડાએ ભેંસના પાડીયાનું મારણ કરતા સ્થાનિક રહીશો અને પશુપાલકોમાં ફફડાટ
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકામાં સતત દીપડાનો આંતક વધી રહ્યો છે.ત્યારે શિનોર તાલુકાના માલસર ગામે છેલ્લા ફળિયા વિસ્તારમાં મોડી રાત્રે ત્રાટકેલો દીપડો માલસર નર્મદા બ્રિજ નીચે બાંધેલા ભેંસના પાડિયાનું મારણ કરી અર્ધ ફાડી ખાધેલી હાલતમાં મૂકીને જતો રહ્યો હતો.જ્યારે પશુપાલક સુખદેવભાઈ પાટણવાડિયા સવારે માલસર નર્મદા બ્રિજ નીચે બાંધેલા પોતાના પશુઓ પાસે જતાં ત્યાં અર્ધ ફાડી ખાધેલી હાલતમાં ભેંસનું પાડીયું મૃત હાલતમાં પડેલું જોવા મળ્યું હતું.અને ત્યારબાદ પશુપાલક સુખદેવભાઈ પાટણવાડિયા દ્વારા બનાવ સંદર્ભે શિનોર વન વિભાગને જાણ કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા એક મહિનામાં શિનોર તાલુકાના ઉતરાજ ગામ બાદ માલસર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કરી લોકોને અને પશુપાલકોને ભયભીત કરી દીધા છે.ત્યારે શિનોર વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાંજરું મૂકીને દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.





