GUJARATKUTCHMUNDRA

લોડાઈના ચેતનાબેન મહેતાએ ‘ડિપ્લોમા ઇન જૈનોલોજી’ની પદવી પ્રાપ્ત કરી પરિવારનું ગૌરવ વધાર્યું

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

લોડાઈના ચેતનાબેન મહેતાએ ‘ડિપ્લોમા ઇન જૈનોલોજી’ની પદવી પ્રાપ્ત કરી પરિવારનું ગૌરવ વધાર્યું

 

 

રતાડીયા,તા.3: કચ્છના લોડાઈ ગામના મૂળ નિવાસી અને હાલ ભુજ સ્થિત મહેતા કનકભાઈ ચુનીલાલના પુત્રવધૂ શ્રીમતી ચેતનાબેન ડેનિશભાઈ મહેતાએ જૈન ધર્મના ગહન અભ્યાસક્રમ ‘ડિપ્લોમા ઇન જૈનોલોજી’માં સફળતા મેળવી મહેતા પરિવાર અને જૈન સમાજનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં આયોજિત એક વિશેષ સન્માન સમારોહમાં ચેતનાબેન સહિત ભુજના અન્ય ૨૪ મહાનુભાવોને ટ્રોફી, પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.

ચેતનાબેન મહેતાએ આ સિદ્ધિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ ચેન્નાઈ સ્થિત 1979થી કાર્યરત ‘આદિનાથ જૈન ટ્રસ્ટ’ દ્વારા સંચાલિત ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ છે. જેમાં કુલ છ સેમેસ્ટરની પરીક્ષા આપવાની હોય છે. આ અભ્યાસક્રમમાં ભગવાનના ચરિત્રો, મહાપુરુષોના જીવન, જીવવિચાર, કર્મના સિદ્ધાંતો અને સૂત્રોના અર્થ જેવા ગહન વિષયોનો સમાવેશ થાય છે. શિસ્તબદ્ધ રીતે લેવાતી આ પરીક્ષાના પેપરો સીલપેક ચેન્નાઈથી આવે છે અને ત્યાં જ ગુણવત્તા ચકાસણી માટે મોકલવામાં આવે છે.

નાનપણથી જ ધાર્મિક સંસ્કારો ધરાવતા ચેતનાબેન જૈન શાસનની કોઈપણ સેવામાં હંમેશા અગ્રેસર રહે છે. તેઓ કાયમી ચોવીહારની આરાધના સાથે જૈન ધર્મનું ચુસ્ત પાલન કરે છે. તેમના સંસ્કારોનું સિંચન આગામી પેઢીમાં પણ જોવા મળે છે. તેમની પુત્રી તૃપ્તિ અને પુત્ર તીર્થ પણ નિયમિત પાઠશાળામાં જાય છે અને ભુજ જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પરિવારનું નામ ઉજજવળ કરી રહ્યા છે.

આ ઐતિહાસિક પ્રસંગે જૈન સમાજના ટ્રસ્ટી કમલભાઈ જીતુભાઈ કાકરેચા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારના વિનોદભાઈ મહેતાએ આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એ ઉક્તિ ચેતનાબેને સાર્થક કરી બતાવી છે. ભગવાનના આશીર્વાદ અને મજબૂત મનોબળને કારણે જ ગૃહિણી તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ તેમણે આ જ્ઞાનની ઉપાસના સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમની આ સિદ્ધિ બદલ લોડાઈ મહેતા પરિવાર પર ઠેર-ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!