GUJARATLODHIKARAJKOT CITY / TALUKO

Lodhika: લોધિકાના ખાંભાથી કુપોષિત બાળકોને દૂધ-પ્રોટીન પાવડર આપવાના પ્રોજેક્ટનો શુભારંભ

તા.૧૯/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

લોધિકા તાલુકાના ૮૮૬ કુપોષિત બાળકોને ૯૦ દિવસ સુધી રોજ દૂધ-પ્રોટીન પાવડર આપશે

ગુજરાતના પોષણ ઉત્સવની કેન્દ્ર સરકાર દ્વારા સરાહના થઈ છેઃ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા

પોષણ અભિયાન સાથે વાનગી સ્પર્ધા-પ્રદર્શન, સ્વેટર વિતરણ, આયુર્વેદિક ચેક અપ કેમ્પ યોજાયા

Rajkot, Lodhika: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ આજે લોધિકા તાલુકાના ખાંભા ગામ ખાતેથી કૂપોષિત બાળકોને દૂધ તથા પ્રોટીન પાવડર આપવાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. લોધિકા તાલુકામાં સફળતા મળ્યા બાદ આ પ્રોજેક્ટને સમગ્ર જિલ્લામાં લાગુ કરવામાં આવશે.
‘સુપોષિત ગુજરાત, સુપોષિત ભારત’ અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતની આઈ.સી. ડી.એસ. શાખા દ્વારા જિલ્લામાં કુપોષણ નાબુદીની નવી પહેલ હેઠળ બાળકોને ૯૦ દિવસ સુધી દૂધ-પ્રોટીન પાવડર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ લોધિકા તાલુકાથી શરૂ કરાયો છે.

ખાંભા ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે આજે સવારે આ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, લોધિકા તાલુકાના ૮૮૬ બાળકોને રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ તરફથી ત્રણ માસ માટે દૂધના પાઉચ તેમજ રોટરી ક્લબ ઑફ રાજકોટ પ્રાઇમ દ્વારા પ્રોટીન પાવડરના ડબ્બા આપવામાં આવશે. સતત ૯૦ દિવસ સુધી દૂધ-પ્રોટીન પાવડર આરોગ્યા બાદ બાળકો સુપોષિત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી કુપોષણ નાબુદી માટે ‘સહી પોષણ દેશ રોશન’ નામનું અભિયાન શરૂ કરાવ્યું છે. આજનું બાળક આવતીકાલનો શ્રેષ્ઠ નાગરિક બને તે માટે બાળકનો સારામાં સારો વિકાસ થાય, તે સુપોષિત તથા સક્ષમ બને તે આપણા બધાની ચિંતા છે. દાતાઓના સહયોગથી લોધિકા તાલુકામાં શરૂ થયેલો આ પ્રોજેક્ટ બાદમાં રાજકોટ જિલ્લામાં લાગુ કરવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, હાલમાં શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે પોષણ ઉત્સવ અંતર્ગત સરગવો, મિલેટ્સ-શ્રી અન્ન તથા ટી.એચ.આર.જેવા પોષક આહારની વાનગીઓના પ્રદર્શન રાજ્યભરમાં યોજાઈ રહ્યા છે. જેમાં બહેનો-માતાઓ આ પોષક આહારની અવનવી વાનગીઓ જોઈને શીખે અને ઘરે તેને બનાવીને પરિવારનું પોષણ કરતા થાય તેવો શુભ આશય છે.

ગુજરાતના પોષણ ઉત્સવની કેન્દ્ર સરકારે સરાહના કરી છે, તેમ જણાવતા મંત્રી શ્રીમતી ભાનુબહેને કહ્યું હતું કે, ઉદયપુરમાં કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા એક શિબિર યોજાઈ હતી. જેમાં બેસ્ટ પ્રેક્ટિસિસમાં ગુજરાતમાં કુપોષણ નાબૂદી માટે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા થતા પોષણ ઉત્સવની વિગતો રજૂ કરી હતી. આ જોઈને કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સુશ્રી અન્નપૂર્ણા દેવીએ તેની પ્રશંસા કરી હતી અને અન્ય રાજ્યોના મંત્રીઓને ગુજરાતના પોષણ ઉત્સવ કાર્યક્રમને અપનાવવા નિર્દેશ આપ્યો હતો. પોષણ ઉત્સવની આ સફળતાનો શ્રેય આંગણવાડીની બહેનો અને હેલ્પર બહેનોને જાય છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ તકે રાજકોટના ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ. કે. વસ્તાણીએ કહ્યું હતું કે, કુપોષણ એ દેશ સામે સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કુપોષણના રાક્ષસની ચુંગાલમાંથી દેશને મુક્ત કરવા આહવાન કર્યું છે. આ માટે સરકાર દ્વારા પોષણ અભિયાન સાથે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકોને સુપોષિત બનાવવા માટે તેમને જંક ફૂડની આદતમાંથી બહાર લાવવા પણ વાલીઓને અપીલ કરી હતી.

રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, લોધિકા તાલુકાના ૩૪ ગામની ૫૪ આંગણવાડીઓના ૮૮૬ બાળકોને રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા, ત્રણ માસ સુધી દરરોજ ૧૨૫ એમ.એલ. અમૂલ મોતી મિલ્કનું પાઉચ આપવામાં આવશે. આ સમગ્ર વિતરણ વ્યવસ્થાનું બે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.
મહત્વનું છે કે, આ દૂધની સાથે રોટરી ક્લબ ઑફ રાજકોટ પ્રાઈમના સહયોગથી પ્રત્યેક બાળકને પ્રોટીન પાવડરનો એક ડબ્બો પણ આપવામાં આવશે.

આ અવસરે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તેમજ મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રોટીનયુક્ત દુધ પીવડાવવામાં આવ્યું હતું. આ સાથે ‘શેર વિથ સ્માઈલ’ સંસ્થાના સહયોગથી ૧૦૦ બાળકોને શિયાળામાં ઉપયોગી સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે ૩૩૦ આંગણવાડી કેન્દ્રોનાં બાળકો માટે લાકડાના રમકડાની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ દૂધ, પ્રોટીન પાવડર તથા સ્વેટરનું દાન આપનારી સંસ્થાના પ્રતિનિધિઓને સન્માનપત્ર આપીને બિરદાવ્યા હતા.

આ તકે પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સ તથા ટી.એચ.આર.વાનગીની સ્પર્ધા તથા નિદર્શન યોજાયું હતું. જેમાં વિજેતા બહેનોને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકો તેમજ મહિલાઓના સ્વાસ્થ્યના પરીક્ષણ માટે આયુર્વેદિક તપાસ કેમ્પ પણ ડોક્ટર હરદેવસિંહ પરમારના સહયોગથી યોજવામાં આવ્યો હતો. ડોક્ટર પરમારે આ તકે બાળકોને ઘરમાં જ સુપોષિત કઈ રીતે બનાવી શકાય તે માટે ઘરગથ્થુ ઉપાયો સૂચવતું પ્રવચન આપ્યું હતું.

જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જ્યારે સી.ડી.પી.ઓ. શ્રી શોભનાબેન લાડાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં બાલિકાઓએ અનોખા “પોષણ અદાલત” નાટક થકી કુપોષણ નાબૂદીનો સંદેશ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં જિ.પં.ની મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતિ કંચનબેન બગડા, શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિશ્રી, જિ.પં.ના સદસ્ય શ્રી મોહનભાઈ દાફડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.આર.સિંધવ તથા અન્ય પદાધિકારીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ બાદ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા તથા ઉપસ્થિતો ખાંભા ખાતેથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
૦૦૦

Back to top button
error: Content is protected !!