GUJARATKUTCHMUNDRA

ભગવાન મહાવીર જન્મ કલ્યાણક એ માનવજાત માટે શાંતિ અને અહિંસાનો પવિત્ર સંદેશ : મુનિ નયશેખર મહારાજ સાહેબ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

ભગવાન મહાવીર જન્મ કલ્યાણક એ માનવજાત માટે શાંતિ અને અહિંસાનો પવિત્ર સંદેશ : મુનિ નયશેખર મહારાજ સાહેબ

 

મુંદરા, તા. 30: સમગ્ર ભારતભરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પવિત્ર અવસરે પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબે મહાવીર જન્મ કલ્યાણકનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે જૈન ધર્મમાં તીર્થંકરોના જીવનના પાંચ મહત્ત્વપૂર્ણ પ્રસંગોને “પંચ કલ્યાણક” કહેવામાં આવે છે જેમાં પ્રથમ અને અતિ પવિત્ર પ્રસંગ ‘જન્મ કલ્યાણક’ છે. આ દિવસ માત્ર એક જન્મોત્સવ નથી પરંતુ સમગ્ર માનવજાત માટે શાંતિ, અહિંસા અને સદાચારનો સંદેશ આપતો આધ્યાત્મિક જાગૃતિનો પ્રતીક છે.

ભગવાન મહાવીરના જન્મના દિવ્ય પ્રસંગ વિશે વિગતો આપતા મુનિશ્રીએ જણાવ્યું કે ઇ.સ. પૂર્વે 599માં કુંડલપુર ખાતે રાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા દેવીને ત્યાં તેમનું અવતરણ થયું હતું. માતા ત્રિશલાએ જોયેલા ૧૪ દિવ્ય સ્વપ્નો એ સંકેત હતો કે એક મહાન આત્મા પૃથ્વી પર જન્મ લેવા જઈ રહ્યો છે. ભગવાન મહાવીરે સમગ્ર જગતને “અહિંસા પરમો ધર્મ:” નો ઉપદેશ આપી સત્ય, અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવા સિદ્ધાંતો દ્વારા આત્માના કલ્યાણનો માર્ગ બતાવ્યો છે. તેમના જીવનમાંથી આપણને શીખ મળે છે કે દરેક જીવમાં આત્મા સમાન છે અને ક્ષમા, દયા તથા કરુણા જ જીવનના મૂળ આધાર છે.

આ પવિત્ર દિવસે જૈન સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા મળશે. દેરાસરોમાં વિશેષ પૂજા-પૂજન, અનુષ્ઠાન, અભિષેક, આંગી અને મહાપૂજા સાથે ભગવાનની ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. આજના દિવસે ભાવિકો ઉપવાસ અને એકાસણા જેવી તપસ્યા સાથે જીવદયાના કાર્યો, ગરીબોને ભોજન-વસ્ત્રદાન તેમજ પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણી અને અન્નની વ્યવસ્થા કરી ભગવાનના ઉપદેશોને સાર્થક કરશે. અંતમાં મુનિરાજશ્રીએ સૌને અહિંસા, સત્ય અને દયાના માર્ગ પર ચાલી જીવન પવિત્ર બનાવવાની પ્રેરણા આપી હતી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!