વકીલોને કેટલાક વિશેષ અધિકાર મળ્યા છે, તેમની કાયદાકીય સલાહો બદલ સમન્સ કે નોટિસ ના ચલાવી લેવાય : સુપ્રીમ

મની લોન્ડરિંગના એક કેસમાં આરોપીને કાયદાકીય સલાહ બદલ કેન્દ્રીય એજન્સી ઇડી દ્વારા બે વરીષ્ઠ વકીલોને સમન્સ મોકલવામાં આવ્યા હતા, જેનો સુપ્રીમ બાર એસોસિએશન દ્વારા વિરોધ થયો હતો. બાદમાં ઇડીએ તો આ સમન્સ પરત ખેંચી લીધા પરંતુ હવે સુપ્રીમ કોર્ટે એજન્સીઓ અને પોલીસના આ પ્રકારના સમન્સ પર સવાલો ઉઠાવીને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વકીલો દ્વારા અપાતી કાયદાકીય સલાહ બદલ પોલીસ કે એજન્સીઓ દ્વારા તેમને સમન્સ મોકલવા ન્યાય પ્રશાસનની સ્વતંત્રતા પર ખતરા સમાન છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કે વી વિશ્વનાથન અને એન કોટિશ્વર સિંહની બેંચે કહ્યું હતું કે ન્યાયીક વ્યવસાય ન્યાય પ્રશાસનનો એક અભિન્ન અંગ છે. બચાવપક્ષના વકીલોને તેમની ન્યાયિક સલાહ બદલ પોલીસ કે એજન્સીઓ દ્વારા સમન્સ મોકલવાની છૂટ આપીશું તો તેનાથી કાયદાના વ્યવસાય પર ગંભીર અસર કરશે, આવી છૂટથી ન્યાયિક પ્રશાસનની સ્વતંત્રતાને ખતરામાં મુકાશે. જે વકીલો પોતાની કાયદાકીય પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમને કેટલાક વિશેષ અધિકાર મળેલા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેટલાક સવાલો પણ કર્યા હતા.
બેંચે કહ્યું હતું કે પહેલો સવાલ એ થાય છે કે જો કોઇ વ્યક્તિ કેસમાં વકીલ તરીકે સલાહ આપી રહી હોય તો શું તેને પૂછપરછ માટે તપાસ એજન્સી, પોલીસ સીધા સમન્સ મોકલી શકે? બીજો સવાલ એ થાય છે કે માની લઇએ કે એજન્સી કે પોલીસ પાસે વકીલને લઇને માત્ર કાયદાકીય સલાહ નહીં પણ કેસ સાથે જોડાયેલ અન્ય કોઇ મુદ્દો છે તો શું તેવા સંજોગોમાં શું વકીલને સીધા સમન્સ મોકલી બોલાવવાની છૂટ આપી શકાય કે પછી ન્યાયિક દેખરેખ નિર્ધારિત થવી જોઇએ? જોકે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એ વકીલોને ધ્યાનમાં લઇને સામે નથી આવી જેમને તાજેતરમાં ઇડી દ્વારા સમન્સ મોકલાયા હતા અને પરત લઇ લેવાયા હતા. સુપ્રીમની આ ટિપ્પણી ગુજરાતના એક કેસ સાથે સંકળાયેલી છે.
ગુજરાતના એક વકીલની અપીલ પર સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. આ વકીલને તેના અસીલના કેસની તપાસ કરી રહેલી પોલીસ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું અને એક નાણાકીય લેનદેનની માહિતી આપવા કહ્યું હતું. એક રિપોર્ટ મુજબ આ સમન્સ નોટિસ અમદાવાદના એક એસીપી દ્વારા મોકલાઇ હતી, આ સમન્સ નોટિસને વકીલે ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ હતી, અને એવી દલીલ કરી હતી કે આ પ્રકારની તપાસથી વકીલ અને અસીલની ગોપનીયતાનું ઉલ્લંઘન થાય છે. જોકે હાઇકોર્ટે માર્ચ ૨૦૨૫માં આ વકીલની અરજી ફગાવી હતી, જેથી બાદમાં તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગુજરાતના વકીલની અરજી પર એટર્ની જનરલ આર. વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ વિકાસસિંહ અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશનના અધ્યક્ષ વિપિન નાયરની સહાય માગી હતી. ગુજરાતના આ વકીલ નાણાકીય વિવાદના એક કેસમાં જામીન માટે અસીલ તરફથી હાજર થયા હતા જે બાદ તેમને સમન્સ મોકલાયું હતું. વકીલનો દાવો છે કે કાયદાકીય સલાહ સિવાય મારી આ કેસમાં કોઇ ભૂમિકા નથી. હાલ આ વકીલ સામે આગામી સુનાવણી સુધી કોઇ જ કાર્યવાહી ના કરવા ગુજરાત સરકારને સુપ્રીમે આદેશ આપ્યો છે.



