‘લીગલ ઈમરજન્સી’ની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ ગમે તે સમયે અદાલતનો દરવાજો ખખડાવી શકે છે. CJI

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની સુનાવણી અંગે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે ‘લીગલ ઈમરજન્સી'(કાયદાકીય કટોકટી)ની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ ગમે તે સમયે અદાલતનો દરવાજો ખખડાવી શકે છે. CJI સૂર્યકાંતના જણાવ્યા અનુસાર, જો તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડની ધમકી આપવામાં આવે, તો નાગરિકો પોતાના મૌલિક અધિકારોની રક્ષા માટે મધરાતે પણ સુનાવણીની માંગ કરી શકે છે.
જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, “હું પ્રયાસ કરી રહ્યો છું કે સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતો જનતા માટે હંમેશા ઉપલબ્ધ રહે. અદાલતની કાર્યવાહી સ્થગિત થયા પછી પણ વ્યક્તિ લીગલ ઈમરજન્સીમાં કોર્ટ પહોંચી શકે.”
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન, CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે અદાલતોમાં મોટી સંખ્યામાં અરજીઓ પડતર છે, જેના નિકાલ માટે વધુને વધુ બંધારણીય બેંચની રચના કરવાની જરૂર છે. તેમણે ઉલ્લેખ કર્યો કે આ અરજીઓમાં SIR જેવા મુદ્દાઓ પણ સામેલ છે, જે બિહાર બાદ 11 રાજ્યોમાં ચાલી રહ્યું છે અને તેને કોર્ટમાં પડકારવામાં આવ્યું છે.
CJI સૂર્યકાંતના જણાવ્યા અનુસાર, સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ પણ અરજીઓ દાખલ થઈ છે. આ મામલો ધાર્મિક સ્વતંત્રતા અને મહિલા અધિકારો વચ્ચેના સંઘર્ષનો છે, જેના માટે નવ સભ્યોની બેંચ બનાવવાની જરૂર છે.
CJI સૂર્યકાંતે વકીલો માટે પણ નવા નિયમો લાગુ કરવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે મહત્ત્વપૂર્ણ કેસોમાં વકીલો ઘણા દિવસો સુધી દલીલો ચાલુ રાખી શકશે નહીં અને તેના માટે સમયમર્યાદા લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત, હવે સુપ્રીમ કોર્ટના વકીલોએ નિર્ધારિત સમયમર્યાદામાં જ પોતાની મૌખિક દલીલો રજૂ કરવી પડશે અને તેનું કડક પાલન કરવું પડશે.
આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે કેટલાક ગંભીર કેસોમાં રાત્રે સુનાવણી કરી છે. 2005-06માં નિઠારી કાંડ, 1992માં અયોધ્યા વિવાદ, 2018માં કર્ણાટક સરકારનો મામલો અને 1993માં યાકુબ મેમણની ફાંસીના કેસમાં સુપ્રીમ કોર્ટે મધરાતે સુનાવણી કરી હતી.




