NARMADA

ભર ઉનાળે પાણી માટે ફાંફાં મારતું ડેડીયાપાડા તાલુકાનું મંડાળા ગામ

તાહિર મેમણ : ગુજરાત સરકાર એક તરત રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દીધી હોવાની મીઠી મીઠી વાતો કરી રહી છે તો બીજી બાજુ નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામે ભર ઉનાળે પાણીના કકળાટની બુમો ઉઠી છે.ખાટલે મોટી ખોડ એ છે કે આખા ગામ વચ્ચે માત્ર એક જ હેંડપંપની સુવિધા ઉપલબ્ધ છે.ગામની મહિલાઓ સવારે પોતાનાં ઘરધણી સાથે રોજગારી માટે પણ જાય છે અને સાંજે આવી લાંબી લાઈનોમાં ઉભી રહી પાણી પણ ભરે છે.ગ્રામજનોની એવી માંગ છે કે સરકાર આ ગામમાં વેહલી તકે પાણીની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે.

આ બાબતે ડેડીયાપાડાના મંડાળા ગામની મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમે સવારે રોજગારી અને મજુરી માટે જઈએ છીએ.સાંજે આવ્યા પછી એક કિલોમીટર ચાલીને હેન્ડપંપ આવીએ ત્યારે પાણી ભરવાની મોટી લાઈન હોવાથી અમારે રાત્રે 10-10 વાગ્યા સુધી પાણી ભરવા માટે ઉભુ રહેવું પડે છે.અમારે જમવાનુ બનાવવાનું પણ મોડું થતું હોય છે, અમે જે પાણી ભરીએ એ જ પાણી અમારા માટે અને ઢોર માટે પણ ઉપયોગમાં લઈએ છીએ.દર વર્ષે ઉનાળામાં અમારે આવી જ પાણીની તકલીફનો સામનો કરવો પડે છે.

જ્યારે ગામનાં પુરુષોએ જણાવ્યું હતું કે દર વર્ષે ઉનાળામાં અમારા ગામમા પાણીની મોટી તકલીફ ઊભી થાય છે, આ બાબતે સરપંચ અને અન્ય આગેવાનોને ઘણી વાર રજુઆત કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી.ઉનાળાના 3 મહિના દરમિયાન અમે પાણી માટે ખુબ હેરાન થઈ જઈએ છીએ.સરકારની નલ સે જલ યોજનામાં ગયા વર્ષે થોડું ઘણું પાણી મળતું હતું પણ આ વર્ષે તો એક ટીપું પણ પાણી આવતું નથી.મંડાળા ગામે 2500 ની વસ્તી સામે માત્ર એક જ હેન્ડપંપ છે, તો અમે કેવી રીતે જીવી રહ્યા છીએ એની દરકાર કરવા પણ કોઈ આવતું નથી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતની ડબલ એન્જિન સરકાર જ્યારે ગુજરાતના વિકાસની ગાથાઓ ગાવામાં મસ્ત છે.ત્યારે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ખરેખર વિકાસ થયો છે કે કેમ એ મુદ્દે સરકાર એક ડોકિયું કરે તો ખબર પડે કે પ્રજા કેવી હાડમારી વેઠી રહી છે.બાકી કાગળ પર થયેલા વિકાસને જો સરકાર જમીન પર થયેલા વિકાસમાં ગણતરી કરતી હોય તો આવનારો સમય આ સરકાર માટે કેવો કપરો આવશે એ કેહવું ઘણું મુશ્કેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!