
ઉતરાયણ પર્વે પશુ-પક્ષીઓના સંરક્ષણ માટે મહીસાગર વહીવટીતંત્રની અપીલ
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર…
૧૪ જાન્યુઆરીના રોજ ઉજવાતા ઉતરાયણ પર્વ નિમિત્તે મહીસાગર જિલ્લાના નાયબ પશુપાલન નિયામક દ્વારા જાહેર જનતાને પતંગોત્સવ દરમિયાન સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે.
પતંગ ચગાવવા માટે વપરાતી પ્લાસ્ટિક (ચાઇનીઝ) દોરી કે વધુ કાચ પીવડાવેલી દોરી માનવ જીવન અને અબોલ પશુ-પક્ષીઓ માટે અત્યંત જોખમી હોવાથી સરકાર દ્વારા તેના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પક્ષીઓની અવર-જવરના મુખ્ય સમયગાળા એટલે કે સવારે ૮:૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૫:૦૦ વાગ્યા પછી પતંગ ન ચગાવવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જેથી પક્ષીઓને જીવલેણ ઇજાઓથી બચાવી શકાય.
ઉતરાયણના પવિત્ર પર્વે પશુઓને રાંધેલું અનાજ (શીરો કે રોટલા) ખવડાવવાની પરંપરા છે, પરંતુ અતિશય માત્રામાં આવો ખોરાક ખવડાવવાથી ગાય-ભેંસ જેવા પશુઓમાં હોજરીના અપચાની ગંભીર બીમારી (એસીડોસીસ) થવાની અને તેના કારણે મૃત્યુ થવાની પણ શક્યતા રહે છે. આથી, નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે રાંધેલું અનાજ અલગ-અલગ વિસ્તારોમાં વહેંચીને ખૂબ જ ઓછી માત્રામાં પશુઓને આપવું, જેથી પુણ્ય કમાવવાની ભાવના પશુઓ માટે જીવલેણ ન બને.
આ પર્વ દરમિયાન જો કોઈ ઘાયલ અથવા બીમાર પશુ કે પક્ષી નજરે પડે, તો તેને તાત્કાલિક નજીકની પશુ સારવાર સંસ્થામાં લઈ જવા અથવા બિનવારસી પશુઓ માટેની હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરી ત્વરિત સારવાર કરાવવા જનતાને અનુરોધ છે. ‘જીવ રક્ષા અને જીવ સેવા એ જ સર્વોત્તમ પુણ્ય કાર્ય છે’ તે ભાવના સાથે દરેક નાગરિક જવાબદારીપૂર્વક ઉતરાયણની ઉજવણી કરે તેવી અપીલ મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી છે.


