મહીસાગર જિલ્લામાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય; કડાણા અને સંતરામપુરમાં ‘મિશન મંગલમ કેન્ટીન’નો પ્રારંભ

મહીસાગર જિલ્લામાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય; કડાણા અને સંતરામપુરમાં ‘મિશન મંગલમ કેન્ટીન’નો પ્રારંભ
*****
અમીન કોઠારી, મહીસાગર

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહીસાગરના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના ઉદ્દેશ્ય સાથે કડાણા અને સંતરામપુર ખાતે ‘મિશન મંગલમ કેન્ટીન’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી અર્પિત સાગર અને ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા સ્વ-સહાય જૂથો (SHG) ને રોજગારીની નવી તકો પુરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો
સ્થાનિક સ્વાદ અને પોષણનું સંગમ ધરાવતી આ કેન્ટીન સ્વ-સહાય જૂથો દ્વારા સંચાલિત માત્ર વ્યવસાયિક કેન્દ્ર નથી, પરંતુ સ્થાનિક લોકોને સ્વચ્છ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવાનું માધ્યમ બનશે. કડાણા અને સંતરામપુર વિસ્તારના આદિવાસી સમાજની વિશેષતા સમા મકાઈનો રોટલો, બાજરીનો રોટલો, ભાખરી, દાળ-ભાત અને ઋતુ પ્રમાણેની સ્થાનિક શાકભાજી જેવી પરંપરાગત વાનગીઓ અહીં કિફાયતી દરે ઉપલબ્ધ થશે.કુદરતી સ્વાદ ધરાવતું આરોગ્યપ્રદ ભોજન આ કેન્ટીનની આગવી ઓળખ બની રહેશે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ SHG ની બહેનોની આત્મનિર્ભરતાની દિશામાં લેવાયેલા આ પગલાને બિરદાવ્યું હતું અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેન્ટીન અને સાધનોની સહાયથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કલેક્ટર સુશ્રી અર્પિત સાગર અને ડીડીઓ શ્રી યુવરાજ સિધ્ધાર્થ સહિતના અધિકારીઓએ આ યોજનાથી ગ્રામ્ય મહિલાઓની સામાજિક અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.



