સંતરામપુર આણંદ રુટની બસ બે મહિનાથી બંધ ફરી શરૂ થતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં રાહત,

ઇફેક્ટ
વાત્સલ્યમ સમાચાર નો પડઘો…
વિદ્યાર્થીઓની રજૂઆત રંગ લાવી: મુખ્યમંત્રી કાર્યાલયથી ગોધરા ડિવિઝનને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ અપાયો.
બે મહિનાથી બંધ બસ ફરી શરૂ થતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં રાહત,
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…
છેલ્લા બે મહિનાથી સંતરામપુર ડેપો દ્વારા અનિયમિત રીતે બંધ કરી દેવામાં આવેલી સંતરામપુર-આણંદ વાયા કાંકણપુર, સેવાલીયા, ડાકોર બસ સેવાને લઈને ઉઠેલો વિવાદ આખરે સુખદ અંતે પહોંચ્યો છે. વિદ્યાર્થી અગ્રણી દ્વારા ગોધરા ડિવિઝન કંટ્રોલરને લેખિત રજૂઆત બાદ મામલો મુખ્યમંત્રી સુધી પહોંચતા, મુખ્યમંત્રી કાર્યાલયના સીધા આદેશથી આ બસ સેવા તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સંતરામપુર-આણંદ રૂટની બસ સેવા લાંબા સમયથી બંધ હોવાથી સેંકડો વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે જાગૃત નાગરિક અને વિદ્યાર્થી અગ્રણી દ્વારા તારીખ 17-11-2025 ના રોજ ગોધરા વિભાગીય કચેરીને સૌપ્રથમ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે તેમણે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી હતી.
આ રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર દ્વારા તારીખ 18/11/2025ના રોજ ગોધરા એસ.ટી. વિભાગીય નિયામકને તાત્કાલિક નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
આ આદેશના પગલે સંતરામપુર ડેપો દ્વારા ત્વરિત કાર્યવાહી કરી સંતરામપુર-આણંદ બસ સેવા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે.
લાંબા સમય બાદ બસ સેવા ફરી શરૂ થતા શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ અને ડાકોર જતા શ્રદ્ધાળુઓમાં હાશકારો વ્યાપી ગયો છે.
જોકે, સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રને અપીલ કરી છે કે ભૂતકાળમાં જે રીતે મનસ્વી રીતે બસ બંધ કરી દેવામાં આવી હતી તેવું પુનરાવર્તન ન થવું જોઈએ. આ બસ સેવા હવે નિરંતર અને નિયમિત રીતે ચાલુ રાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.




