લુણાવાડા તાલુકાનાં સાલાવાડા-કસલાલ-ચાંપેલી માર્ગ પર બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાલાવાડા ગામ ખાતે ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ અંતર્ગત બનાવેલ પુલ ગ્રામજનો માટે બન્યો વરદાન…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…..
લુણાવાડા તાલુકાનાં સાલાવાડા-કસલાલ-ચાંપેલી માર્ગ પર બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત
અંદાજિત ૩૭૯.૪૬ લાખના ખર્ચે નિર્માણ પામેલ પુલ થકી આજુબાજુના ગામોમાં પરિવહનની મુશ્કેલીનો અંત આવ્યો.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાલાવાડા ગામ ખાતે અંદાજિત ૩૭૯.૪૬ લાખના ખર્ચે નિર્માણ પામેલ પુલ થકી આજુબાજુના અનેક ગામોના લોકોને હવે ચોમાસામાં પાણીમાંથી પસાર થવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) અંતર્ગત માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા અહીં એક અત્યાધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ બ્રિજ ફેબ્રુઆરી ૨૦૨૫ માં ગ્રામજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેણે સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત લાવ્યો છે.
પહેલાં આ વિસ્તારના ગ્રામજનોને, ખાસ કરીને ચોમાસા દરમિયાન, નદી કે નાળાંના પાણીમાંથી પસાર થવું પડતું હતું. આના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘણીવાર પાણીના પ્રવાહને કારણે રસ્તો બંધ થઈ જતો હતો, જેનાથી અવરજવર અટકી જતી હતી અને તાત્કાલિક જરૂરિયાત જેવી કે તબીબી સહાય મેળવવામાં પણ મુશ્કેલી પડતી હતી.
નવનિર્મિત બ્રિજથી હવે આ તમામ સમસ્યાઓ ભૂતકાળ બની ગઈ છે. આ બ્રિજ સાલાવાડા, કસલાલ અને ચાંપેલી જેવા અનેક ગામોને સીધી કનેક્ટિવિટી પૂરી પાડે છે, જેનાથી ગ્રામજનોનો સમય અને શક્તિ બંને બચી રહ્યા છે. દૂધ ઉત્પાદકો, ખેડૂતો અને સ્થાનિક વેપારીઓને પણ હવે પોતાનો માલ સરળતાથી બજાર સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે. આનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.
માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ઉદ્દેશ્યને સાર્થક કરે છે, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત માર્ગ જોડાણ પૂરું પાડીને ગ્રામીણ જીવનસ્તર સુધારવાનો છે. આ બ્રિજ માત્ર એક નિર્માણ કાર્ય નથી, પરંતુ તે હજારો લોકો માટે સુવિધા, સલામતી અને વિકાસનો સેતુ બન્યો છે.
પુલ બનવાથી સરાડીયા ગામના વજાભાઈ સોલંકીએ જણાવ્યુ હતું કે જ્યારે પુલ બન્યો ન હતો ત્યારે અમને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો ખાસ કરી ને ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે અમારે પાણીમાથી પસાર થવું પડતું હતું હવે આ પુલનું નિર્માણ થવાથી અમારી દરેક સમસ્યાનો અંત આવ્યો છે.
આ સાથે સ્થાનિક ગ્રામજનોએ આ બ્રિજના નિર્માણ બદલ સરકાર અને સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે આનાથી તેમના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવ્યો છે. આ વિકાસકાર્ય દર્શાવે છે કે સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.