પંચમહાલ LCBનો સપાટો: સુલીયાત ખાતેથી ચોરી થયેલ અર્ટીકા કાર સાથે સુરતના શખ્સની ધરપકડ
બેંક લોનના હપ્તા ન ભરાતા જપ્ત થયેલી પોતાની જ કાર આરોપીએ સુલીયાતથી ચોરી કરી હતી: ટેકનિકલ એનાલિસિસથી ભેદ ઉકેલાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) પોલીસ સ્ટેશન વિસ્તારના સુલીયાત ગામેથી ચોરી થયેલી અર્ટીકા કારનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે ₹3,50,000 ની કિંમતની કાર સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે LCB પી.આઈ. એન.એલ. દેસાઈની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન સુલીયાત ગામેથી ગત તારીખ 09/01/2026 ના રોજ અર્ટીકા કાર (નંબર GJ-21-CD-9941) ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
LCB સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણકાંત અને ભૂપેન્દ્રસિંહ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી બાતમી મેળવવામાં આવી હતી કે, સુરતનો કૈલાસકુમાર ભવરલાલ જૈન નામનો શખ્સ આ ચોરીમાં સંડોવાયેલો છે. બાતમીના આધારે પોલીસે આરોપીનો સંપર્ક કરી તેને અટકાયતમાં લીધો હતો. સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે જ રાત્રીના સમયે સુલીયાતથી આ કારની ચોરી કરી હતી.
ચોરી પાછળનું અજીબ કારણ:
આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ જણાવ્યું હતું કે:તેણે વર્ષ 2024 માં આ અર્ટીકા કાર નવસારીથી બેંક લોન પર લીધી હતી.લોનના હપ્તા ન ભરાતા જુલાઈ 2025 માં બેંકે આ કાર જપ્ત કરી લીધી હતી. આરોપીને શંકા હતી કે બેંકે તેને જાણ કર્યા વગર આ કાર કોઈ અન્ય વ્યક્તિને વેચી દીધી છે, તેથી તે આ કારની શોધમાં હતો અને તક મળતા જ પોતાની જૂની કાર સુલીયાતથી ચોરી કરી લીધી હતી કૈલાસકુમાર ભવરલાલ જૈન (રહે. મહાદેવ રેસીડેન્સી, સેઠાવ, સુરત અર્ટીકા કાર નંબર GJ-21-CD-9941 (કિંતમ ₹3,50,000).
હાલમાં મોરવા (હડફ) પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 303(1) મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.







