અંકલેશ્વરમાં ગુરૂ ટ્યુશન ક્લાસીસના સંચાલકે સપ્લીમેન્ટરી તપાસવાના બહાને બોલાવી શારીરિક અડપલાં કર્યા

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેરના ગુરુ ટ્યુશન ક્લાસીસમાં સપ્લીમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર સંચાલક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લામાં છેડતીના બનાવોમાં વધારો થયો છે ત્યારે, અંકલેશ્વર શહેરમાં ગુરુ ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની તેઓ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે. સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ટેસ્ટની સપ્લીમેન્ટરી તપાસવા આપે છે.
ગત રોજ સાંજના સમયે સંચાલક નીતિન ચૌહાણ(ઉં.વ.40)એ સપ્લીમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની (ઉં.વ.19)ને ક્લાસીસ પર બોલાવી ‘હું તને કેવો લાગુ છું’ તેમ કહી વિદ્યાર્થિનીનો હાથ પકડી જબરજસ્તી કરી હતી. આ અંગે વિદ્યાર્થિનીએ શારીરિક છેડતી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી સંચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



