‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’ : રાહુલ ગાંધી

લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે તેલંગાણામાં ભારત શિખર સંમેલન-2025માં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપ પર દેશમાં નફરત અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો દૃષ્ટિકોણ પ્રેમ, સ્નેહ અને લોકોનો અવાજ સાંભળવા પર આધારિત છે. તેમણે તેમની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમણે લોકોની વાત સાંભળીને એક નવો રાજકીય દૃષ્ટિકોણ શીખ્યો છે. આધુનિક રાજકારણમાં, લોકોનો અવાજ સાંભળવો અને તેમની સાથે જોડાવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું કે, ‘આજના આક્રમક રાજકીય વાતાવરણમાં વિપક્ષને કચડી નાખવાનો અને મીડિયાને નબળું પાડવાનો ઉદ્દેશ્ય છે. તેમનો (ભાજપ-આરએસએસ) દૃષ્ટિકોણ નફરત, ભય અને ગુસ્સાથી ભરેલો છે, જ્યાં ભય ઘણીવાર ગુસ્સમાં આવીને નફરત તરફ લઈ જાય છે. તેનાથી વિપરીત આપણો દૃષ્ટિકોણ તેમના દૃષ્ટિકોણથી અલગ હોવો જોઈએ. આપણો અભિગમ પ્રેમ, સ્નેહ અને લોકોની ઇચ્છાઓ અને ઇચ્છા પર સમજણ પર આધારિત હોવો જોઈએ. આપણે નીતિઓ પર અસંમત હોઈ શકીએ છીએ. મને ખાતરી છે કે, દરેક લોકોના કેટલીક બાબતો પર જુદા જુદા મંતવ્યો હશે. જોકે, આપણે આવા મુદ્દાઓને કેવી રીતે ઉકેલી લાવી શકીએ, તે વાત પર વિચાર કરી શકીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, ‘થોડાં વર્ષો પહેલા અમે કોંગ્રેસ પાર્ટીમાં સંપૂર્ણપણે ફસાયેલા અને એકલા પડી ગયા હોવાનો અનુભવ કર્યો હતો. આ એક એવું નવું અને આક્રમક રાજકારણ છે, જેમાં વિપક્ષ સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી, પરંતુ તેમને કચડી નાખવાનો વિચાર હોય છે. અમે અમારા ઇતિહાસમાં પાછા ગયા અને કન્યાકુમારીથી કાશ્મીર ચાલવાનું નક્કી કર્યું. અમારી યાત્રા કન્યાકુમારીથી શરુ થઈ હતી અને જેમ જેમ અમે આગળ વધતા ગયા, તેમ તેમ વધુ લોકો પણ અમારી યાત્રામાં જોડાવા લાગ્યા.
કોંગ્રેસ સાંસદે કહ્યું કે, ‘આપણા વિપક્ષને ખબર નથી કે કેવી રીતે સાંભળવું… કારણ કે તેમની પાસે પહેલાથી જ બધા જવાબો છે. તેઓ બરાબર જાણે છે કે શું કરવું. પરંતુ આ સંપૂર્ણ ખોટું છે. કારણ કે જનતા જ જાણે છે કે શું કરવું. એક બાબત એવી છે કે, આપણે સોશિયલ મીડિયા અને તમામ આધુનિક સંદેશાવ્યવહાર પદ્ધતિઓમાં નિષ્ફળ ગયા છીએ. આ બાબત એ છે કે, રાજકીય નેતાના રૂપમાં પ્રજાએ આપણને જે કહેવાનો પ્રયાસ કર્યો છે, તેને સાંભળવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. આ એવી જગ્યા છે જ્યાં આપણે ખરેખર કામ કરી શકીએ છીએ, કારણ કે આપણા વિરોધીઓએ આ જગ્યા સંપૂર્ણપણે ખાલી કરી દીધી છે, તેઓ ત્યાં નથી, તેમનું ત્યાં કોઈ અસ્તિત્વ નથી.’



