
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
શિસ્તબદ્ધ ડાંગ જિલ્લા ભાજપમાં વઘઇ તાલુકામાં ભાજપા માટે ઉમેદવાર મહાસંકટ ઘેરાયુ, તાજેતરમાં રચાયેલું જિલ્લા સંગઠન નબળું પડતા અને આંતરીક કલહે ચૂંટણી પહેલા જ મુશ્કેલીઓ વધારી દેતા મોટો પડકાર ઊભો થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગતા જ રાજકીય પાટા પર ગરમાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.સાથે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી માટે મથામણ કરી રહ્યા છે, ત્યારે પોતાને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાવતી ભાજપ માટે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં ચિંતાજનક પરિસ્થિતિ ઉભી થઈ છે.મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા પંચાયતની બરડા, સાકરપાતળ અને કોસીમદા જેવી મહત્વપૂર્ણ બેઠકો પર ભાજપને યોગ્ય ઉમેદવારો મળતા નથી, તેવી ચોંકાવનારી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.આ બેઠકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે, અને આ બેઠકો પર હાલની સ્થિતિ ભાજપ માટે વધુ પડકારજનક બની રહી છે.ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભાજપ સંગઠન દ્વારા ઉમેદવારી માટે કાર્યકરો અને દાવેદારોને બોલાવી ફોર્મ ભરાવી તેઓ પાસેથી સેન્સ લેવાઈ રહ્યો છે,છતા મેદાનમાં ઉતરવા માટે મજબૂત ચહેરાઓની અછત સામે આવી રહી છે. “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સૂત્ર સાથે સત્તામાં રહેલી ભાજપા પાર્ટી માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે ગંભીર સંકેત આપી રહી છે.આ સંકટ પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં રચાયેલ જિલ્લા સંગઠન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જેમાં વર્ષોથી પાર્ટી માટે કામ કરનાર આદિવાસી કાર્યકર્તાઓને અવગણીને બિન-આદિવાસી નેતાઓને યુવા મોરચા સહિતના મહત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.પરિણામે સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ ફાટી નીકળતા સંગઠન નબળું પડ્યુ છે.બીજી તરફ જિલ્લા સંગઠન પ્રમુખ અને ધારાસભ્યનાં જૂથો વચ્ચે ચાલી રહેલી જૂથબાજી પણ પાર્ટી માટે માથાનો દુખાવો બની છે.જેમાં ડાંગ ભાજપ સંગઠન પ્રભારી દ્વારા પાર્ટીને મજબૂત બનાવવાના અનેક પ્રયાસો છતા આંતરિક વિખવાદો શમતા નથી.આ રાજકીય સમીકરણોમાં વધુ હલચલ ત્યારે સર્જાઈ છે જ્યારે કોંગ્રેસનાં કદાવર નેતા અને માજી ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાયા બાદ ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા તેમની લોકપ્રિયતા યથાવત રહેતા ભાજપ માટે પડકાર વધ્યો છે.માજી ધારાસભ્ય મંગળ ગાવીત ભાજપા છોડી કૉંગ્રેસમાં ઘર વાપસી કરતાની સાથે જ ડાંગ જિલ્લા ભાજપ માટે “અમંગળ”નું ગ્રહણ નડી ગયુ છે.જે અમંગળનું ગ્રહણ ડાંગ જિલ્લામાં વાયુવેગે પ્રસરતાની સાથે જ ભાજપા માટે વેધક બન્યુ છે.એટલું જ નહીં, તેમની સાથે આહવા અને પૂર્વપટ્ટી સુબીર તાલુકાના કેટલાક પ્રભાવશાળી નેતાઓએ પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરતા ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે.આ ઉપરાંત ભાજપ તરફી એક જ પરિવારના બે સભ્યો અલગ-અલગ હોદ્દાઓ ધરાવતા હોવા છતા બન્ને દ્વારા ઉમેદવારી નોંધાવાતા આંતરિક વિવાદ વધુ તીવ્ર બન્યો છે.જો આવનાર દિવસોમાં ભાજપા પાર્ટી દ્વારા કોઈ સ્પષ્ટ માપદંડ વિના ઉમેદવારી રદ્દ કરવામાં આવશે તો બળવાખોરી અને પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિઓ થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.આ સમગ્ર પરિસ્થિતિને જોતા વઘઇ અને સુબિર તાલુકામાં તથા પૂર્વપટ્ટી વિસ્તારમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ માટે ‘લોઢાના ચણા ચાવવાની’ સાબિત થઈ શકે છે,જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે આ પરિસ્થિતિ સોનેરી તક બની શકે છે.





