વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં કેશબંધ ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોય તેવી ગંભીર બાબત સામે આવી છે.આ ઘટનાએ શિક્ષણનાં પવિત્રધામમાં માસૂમ બાળકોનું શોષણ થઈ રહ્યુ હોવાનો ગંભીર સવાલ ઉઠયો છે.કારણ કે અહી ભણતરનાં બદલે શિક્ષકો અને આચાર્ય દ્વારા માસૂમ બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે,ત્યારે બાળકોનો અભ્યાસ ખતરામાં હોય તેવું જણાઈ રહ્યું છે.સુબીર તાલુકાના કેશબંધ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને પાવડા અને તગારા વડે રેતી માટી લેવા જવા અને ઉચકાવવુ જેવા ભારે કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આદિવાસી વિસ્તારના બાળકોને ભણાવવાને બદલે શારીરિક મજૂરી કરાવવાની ઘટનાએ લોકોમાં રોષની લાગણી ઉપજાવી છે. શાળામાં પાથરવામાં આવેલી રેતીના ઢગલા સરખા કરવા સહિતની કામગીરી બાળકો પાસે કરાવવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બાબતે શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા તેઓનો લુલો બચાવ કરતા કહ્યુ છે કે,”26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે તૈયારી ચાલુ છે. ” પરંતુ આ પ્રકારના જવાબથી પ્રશ્ન એ થાય છે કે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે બાળકો પાસે બાળ મજૂરી કરાવવી કેટલી યોગ્ય છે ? આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, અંતરીયાળ વિસ્તારમાં શિક્ષણમાં હજુ પણ ઘણું સુધારવાનું બાકી છે. વધુમાં જો શાળામાં જ બાળ મજુરીને પ્રોત્સાહન આપવામાં આવતું હોય તો અન્ય ક્ષેત્ર કે સ્થળને વાત શી કરવી ? શાળામાં બાળમજૂરી કરાવીને બાળકોને શું સંદેશો આપવામાં આવી રહ્યો છે ? વાલીઓ બાળકને શાળાએ અભ્યાસ માટે મોકલે છે અને ત્યાં બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવે તે કેટલા અંશે યોગ્ય ? આવા અનેક સવાલ સાથે પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે.જોકે બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમની પાસે મજૂરી કરાવવી એ ગંભીર અપરાધ કહી શકાય એમ છે.કારણ કે એક તરફ સરકાર દ્વારા બાળ મજુરી અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને શિક્ષણ તરફ બાળકો વળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા તેવામાં અહીં શાળા જેવા પવિત્ર મંદિરમાં બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવે તે શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય એમ છે. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણ એક કાર્યવાહી કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
બોક્ષ- (1) વિજયભાઈ દેશમુખ-જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડાંગ.આ બાબતે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી વિજયભાઈ દેશમુખને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનાં કેશબંધ પ્રાથમિક શાળામાં બાળમજૂરીની બાબત મારા ધ્યાનમાં આવેલ છે.જેને લઇને સુબિર તાલુકાનાં ટી.પી.ઓ.ને આ અંગે તપાસ કરવા જણાવવામાં આવેલ છે.ત્યારે તપાસમાં આવી કોઈ ઘટના બનેલ છે તેવું જણાય આવશે તો જવાબદાર શિક્ષકો અને આચાર્ય સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે..