દરિયાઈ સુરક્ષા,આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવા અંગેનું મરીન ટાસ્ક ફોર્સ દ્વારા રાણાભાઠા અને દાંડી ગામોમાં સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૮: ગુજરાત રાજયના દરિયાઈ સુરક્ષા જાગૃતતા અંતર્ગત વિવિધ આંતકવાદી પ્રવૃતિઓ અટકાવવા પોલીસ મહાનિરીક્ષકશ્રી, મરીન ટાસ્ક ફોર્સ, ગાંધીનગર અને પોલીસ અધિક્ષકશ્રી, હજીરા, સુરતના માર્ગદર્શન હેઠળ મરીન સેક્ટર નવસારી દ્વારા જલાલપોર તાલુકાના રાણાભાઠા અને દાંડી ગામ ખાતે દરિયા કાઠાંના લોકો અને માછીમારોને માહીતગાર થાય તે અનુસંધાને સેમીનાર યોજાયો હતો. જેમાં પીઆઇ યુ.જે.પટેલ, પીએસઆઇ એ.જે.ગામીત દ્વારા જલાલપોર તાલુકાના રાણાભાઠા અને દાંડી ખાતે તાજેતરમાં સરપંચ, ગામના આગેવાનો અને માછીમારોની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત ખાતે બેઠક કરી દરિયાઈ માર્ગે થતી વિવિધ આંતકવાદી પ્રવૃતિઓ અટકાવવા, તેમજ દરિયા કાંઠાના વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ બોટ, વસ્તુ, ડ્રગ્સ પેકેટ્સ, બેગ, તથા ડ્રોન જોવા મળે તો તાત્કાલીક જાણ કરવા માર્ગદર્શન અને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ સાથે દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા સહીત દરિયા કિનારાના રહેવાસી તરીકે સતત જાગૃત રહેવા અંગે પણ સમજ આપવામાં આવી હતી. આ સાથે મરીન ટાસ્ક ફોર્સની કામગીરી વિશે જરૂરી માહીતી આપવામાં આવી હતી.




