વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાના વિવિધ ગામડાઓમાં ઠેરઠેર રામોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાઈ રહ્યા છે. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ નગરમાં આશાનગર, રેલ્વે સ્ટેશન નજીક આવેલ સિંગલ ફળિયા અને હનુમાન ફળિયામાં રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રામાયણ કાળથી ચાલી આવતી આદર્શતા અને ત્યાગની ભાવના તેમજ મર્યાદા સાથેનું આદર્શ જીવન જીવવા માટે પ્રેરણાદાયી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જીવન વિશે વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.બજરંગ દળ ડાંગના પ્રીતભાઈ પથરીયાએ જણાવ્યું હતું કે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના જીવનમાં રહેલા સેવા, સંગઠન, ત્યાગ અને પરિવાર ભાવના જેવા આદર્શોને હિન્દુ સમાજ પોતાના જીવનમાં ઉતારે તો જીવનમાં કલ્યાણ સાધી શકાય છે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભાવિકોએ જય શ્રીરામના જયઘોષ સાથે ભગવાન શ્રીરામનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો..