તા.૦૬.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ પંચાલ સમાજની વાડી ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ તથા રક્તદાન કેમ્પ યોજાયો
પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા રવિવારના રોજ પંચાલ સમાજની વાડી ખાતે ભવ્ય “નવચંડી હવન” તેમજ “મેડિકલ યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનો અંતર્ગત શારીરિક અને આધ્યાત્મિક સમૃદ્ધિને પ્રોત્સાહન આપતું સુંદર સંકલન જોવા મળ્યું.આ મેડિકલ કેમ્પ “ડી.એન. શાહ કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ” તથા “તાપસ પેથોલોજી લેબોરેટરી” ના સહયોગથી યોજાયો હતો. જેમાં કિડની તથા પ્રોસ્ટેટ સંબંધી નિદાન અને તપાસ તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી. ખાસ કરીને ડો. દર્શિત એન. શાહ (M.S., Dr.N.B. Urology) ની પ્રતિષ્ઠિત ટીમે આવી સેવા આપી હતી. સાથે સાથે “માય બ્લડ સેન્ટર (બેંક), દાહોદ” ના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 12 યુનિટ જ્ઞાતિજનો અને યુવાનો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવીયતા અને સમાજસેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.આ કાર્યક્રમના માધ્યમથી “સક્ષમ ભારત – સક્ષમ દાહોદ – સક્ષમ સમાજ” માટે મંડળ દ્વારા “લોકલ ફોર વોકલ” અને સ્વદેશી અપનાવાની પહેલ પણ શરૂ કરવામાં આવી. મંડળ દ્વારા દેશી ઉત્પાદન અને સેવાઓને પ્રોત્સાહન આપવા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી.પંચાલ નવયુવક મંડળ, દાહોદની આ સેવાકીય પ્રવૃત્તિઓને જ્ઞાતિમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. પ્રમુખ શ્રી હિમેન પંચાલ, મંત્રી મયુર પંચાલ તથા સમગ્ર મંડળ ટીમે આ યજ્ઞસ્વરૂપ સેવા માટે સહકાર આપનાર તમામ લોકો તથા સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.