અમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક : નાગરિકોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવાની તાકીદ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. બેઠક દરમિયાન અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તાર સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કરાયા. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી, સંબંધિત અધિકારીઓને નાગરિકોની સમસ્યાઓનો ઝડપથી હકારાત્મક ઉકેલ લાવવા તાકીદ કરી.
બેઠકમાં ખાસ કરીને પીવાના પાણીની સમસ્યાને તાત્કાલિક ઉકેલવા સૂચના અપાઈ. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે ‘નલ સે જલ’ યોજના અંતર્ગત દરેક ઘેર સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવું એ સરકારની પ્રથમતા છે, અને જ્યાં પાણીની સમસ્યા છે ત્યાં કાયમી ઉકેલ લાવવા તંત્ર સક્રિય બને.
આ ઉપરાંત, આગામી દિવસોમાં જિલ્લાભરમાં ઉજવાવાનાં ‘સ્પોર્ટ્સ ડે’ને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોની આસપાસ ચાલતા પાન-બીડી તથા સિગારેટના ગલ્લા બંધ કરાવવા ખાસ ડ્રાઇવ યોજવા માટે પણ અધિકારીઓને આદેશ અપાયા. વિદ્યાર્થીઓ વ્યસનોથી દૂર રહે એ દિશામાં આવી કામગીરી સમયાંતરે કરવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી.
બેઠકમાં જૂની અને જર્જરિત સરકારી કચેરીઓને વિશાળ જગ્યા ધરાવતી યોગ્ય જગ્યાએ ખસેડવા, ધોળકા વિસ્તારમાં રસ્તાના પ્રશ્નો, બાવળામાં વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો, જાહેર સ્થળો તથા રસ્તાઓ પરનાં દબાણો દૂર કરવા, લારી ગલ્લા માટે નિર્ધારિત જગ્યા ફાળવવા, ગટરના પાણીના નિકાલના પ્રશ્નો, સોલાર અને વીજ જોડાણના મુદ્દાઓ, એસ.ટી. બસ સ્ટોપ સંબંધિત સમસ્યાઓ, પ્રોપર્ટી કાર્ડની પ્રક્રિયા ઝડપી કરવા, શહેરના ગેરકાયદે દબાણો દૂર કરવા અને કાયદો-વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા થઈ.
તદુપરાંત, એન.એફ.એસ.એ. કાર્ડ સાથે સંબંધિત પ્રશ્નો, ઝોનલ ઓફિસ માટે જગ્યા ફાળવવાના મુદ્દાઓ અને મેડિકલ હોસ્પિટલોની જગ્યાઓ ભરવાની જરૂરિયાત પર પણ વિસ્તૃત વિચારણા કરવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ કર્યું કે પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં કોઈપણ પ્રકારની વિલંબ ન થવો જોઈએ અને તમામ રજૂઆતોને નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલી નાગરિકોને રાહત આપવી જરુરી છે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબેન વાઘેલા, ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, અમિતભાઈ ઠાકર, અમિતભાઈ શાહ, ઇમરાન ખેડાવાલા, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલન સમિતિના પદાધિકારીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રીતે, જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની આ બેઠક માત્ર પ્રશ્નોની રજૂઆત પૂરતી ન રહી, પરંતુ વિકાસલક્ષી કાર્યોમાં ગતિ લાવવા અને નાગરિકોને ત્વરિત ન્યાય આપવા દિશામાં એક મહત્વપૂર્ણ કદમ સાબિત થઈ.