GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સમાન નાગરિક સંહિતા અંગે યુ.સી.સી. સમિતિના સભ્યો દ્વારા રાજકોટમાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

તા.૨૪/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિના સભ્યો દ્વારા રાજકોટમાંથી અભિપ્રાયો મેળવાયા

સમિતિના સભ્યોએ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક, સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી

Rajkot: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુ.સી.સી.ની સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમિતિના સભ્યો દ્વારા યુ.સી.સી. અંગે સમાજના વિવિધ સમુદાય, વર્ગો ,સામાજિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકો પાસેથી મૌખિક તથા લેખિત પ્રતિભાવો-અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.

સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય ડૉ. દક્ષેશ ઠાકરે બેઠકમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ (નિવૃત્ત) શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં શ્રી સી.એલ. મીના આઈ.એ.એસ. (નિવૃત્ત), હાઇકોર્ટના વરિષ્ઠ એડવોકેટ શ્રી આર.સી. કોડેકર, વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. દક્ષેશ ઠાકર તથા સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફ સભ્યો તરીકે છે. સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુ.સી.સી. અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે.

શ્રી ઠાકરે ઉપસ્થિત સૌને યુ.સી.સી. વિશે વિગતવાર સમજણ આપી હતી તેમજ તેના વિશે પ્રવર્તતી ગેરસમજ અંગે વિગતવાર વાત કરતા તેમણે ખાસ કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ કે સમાજના વિશેષ વર્ગને ટાર્ગેટ કરતી નથી. ઉપરાંત તે કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ-રિવાજને પણ સ્પર્શતી નથી. વર્તમાન સમયમાં લિવ ઈન રિલેશનશિપથી સમાજમાં જે પ્રકારના વિવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, ત્યારે કાયદાથી લિવ ઈન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેવો એક વિચાર છે.

આ તકે રાજકોટનાં પ્રથમ મેયર શ્રીમતી નયનાબહેન પેઢડિયા તેમજ અન્ય રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓએ સમાન નાગરિક સંહિતા મામલે પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. જેની સમિતિના સભ્યોએ નોંધ કરી હતી. ઉપરાંત ઉપસ્થિત લોકોએ આ અંગે પોતાના લેખિત અભિપ્રાયો પણ સમિતિને આપ્યા હતા.

સમિતિનાં સભ્ય સુશ્રી ગીતાબહેન શ્રોફે જણાવ્યું હતું કે, યુ.સી.સી. ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મોને આદર આપે છે. વિવિધ ધર્મ-સંપ્રદાયમાં જોવા મળતા રીતિ-રિવાજોને પણ યુ.સી.સી. આદર આપે છે. રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે. આ બેઠકમાં રાજકોટ જિલ્લા ક્લેક્ટર શ્રી પ્રભવ જોશી, શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે. ગૌતમ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!