
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૨૧મી જૂન – ૨૦૨૫ ના રોજ “૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીનાં સુચારૂ આયોજનના ભાગરૂપે તા.૧૩ જૂનના રોજ નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી વિ.કે.જોષીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં બેઠક યોજાઇ હતી.
સમગ્ર વિશ્વ અને દેશભરમાં ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “YOGO FOR ONE EARTH ONE HEALTH” અને “ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” થીમ નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ ગામડાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે આયોજન માટે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી વિ.કે.જોષી દ્વારા જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે સ્થળ, વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇ સ્ટેજ, મંડપ અને ગ્રાઉન્ડ તૈયાર કરવા, સાઉન્ડ સિસ્ટમ, લાઈવ પ્રસારણ નિહાળવા એલઇડી સ્ક્રીન અને વીજ પુરવઠાની ઉપલબ્ધતા, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, એમ્બ્યુલન્સ તેમજ હેલ્થની ટીમ સ્થળ પર ઉપલબ્ધ રાખવા, ગ્રાઉન્ડ તેમજ આસપાસ ની જગ્યાએ સાફ-સફાઈ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરવા બાબતે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
વધુમાં આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાની તમામ શાળા-કોલેજ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર અને સરકારી તમામ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક લોકોને મોટી સંખ્યામાં ભાગ લઇ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માં સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કક્ષાના મુખ્ય ઉજવણી સમિતિના સભ્યો હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો.




