Rajkot: રાજકોટના કાળીપાટ ખાતે ૧૮ જુલાઈએ નાણાકીય સમાવેશન મેગા કેમ્પ યોજાશે

તા.૧૭/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન સહિતની યોજનાઓનો નાગરિકોને ઘરઆંગણે મળશે લાભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નાગરિક કલ્યાણલક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ કાર્યરત છે.
રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમપ્રકાશ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના દિશાનિર્દેશમાં રાજકોટની ૫૯૫ ગ્રામ પંચાયતોમાં આ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧ જુલાઈથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આગામી તા. ૩૦ સપ્ટેમ્બર એટલે કે ત્રણ માસ સુધી ચાલનારા આ અભિયાન અન્વયે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, હાલના જનધન ખાતાઓ માટે કે.વાય.સી. ફરીથી પૂર્ણ કરવું તેમજ જનધન ખાતા ખોલવા ઉપરાંત ડીજીટલ ફ્રોડ સામે જાગૃતિ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ અભિયાનના ભાગરૂપે તા. ૧૮ જુલાઈના રોજ સવારે ૧૦:૦૦ કલાકે રાજકોટના કાળીપાટ ગ્રામ પંચાયત ખાતે નાણાકીય સમાવેશ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેનેરા બેંક, કાળીપાટ દ્વારા રાજકોટ એલ.ડી.એમ. શ્રી કે. બિસ્વાલના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં વધુને વધુ લોકો જોડાઈને સરકારી યોજનાઓનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.



