શહેરા પંથકમાં GUVNL/MGVCL નું મેગા સર્ચ ઓપરેશન: એક જ દિવસમાં ૨૪.૬૪ લાખની વીજચોરી પકડાઈ
GUVNL અને MGVCL ની ટીમો દ્વારા શહેરા-૧ અને ૨ સબ ડિવિઝન હેઠળના ૮ ફીડરોમાં વ્યાપક તપાસ; ૧૩૧ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વીજચોરી ડામવા માટે રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે શહેરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ‘માસ વીજ ચેકિંગ ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ ૨૪.૬૪ લાખ રૂપિયાની વીજચોરીના બિલ ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ મેગા સર્ચ ઓપરેશનમાં GUVNL અને MGVCLની કુલ 32 ટીમો તૈનાત કરવામાં આવી હતી. જેમાં 92 જેટલા કર્મચારીઓ, લાઈનમેન અને ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા. ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સુરક્ષા પણ સાથે રાખવામાં આવી હતી, જેમાં સ્થાનિક પોલીસ અને GUVNL પોલીસના 12 જવાનોનો કાફલો જોડાયો હતો.શહેરા-૧ અને શહેરા-૨ સબ ડિવિઝન હેઠળ આવતા કુલ ૮ વિવિધ ફીડરો પર તપાસ હાથ ધરવામાં આવી હતી: બામરોલી, ઉમરપુર, નથુજીના મુવાડા અને ખોડિયાર, પાનમ-૨, મેહલાણ અને ખોજલવાસા ફીડર પર આવતા વિવિધ ગામો સહિતના વિસ્તારોમાં ટીમોએ વીજ ચેકિંગ કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન કુલ ૯૬૪ કનેક્શનોનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન કુલ ૧૩૧ કનેક્શનમાં વીજચોરી અથવા મીટર સાથે છેડછાડ જેવી ગેરરીતિઓ જોવા મળી હતી. આ તમામ કસૂરવારોને કુલ ૨૪,૬૪,૦૦૦ (ચોવીસ લાખ ચોસઠ હજાર) રૂપિયાના દંડકીય બિલ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે.
MGVCLની આ કડક કાર્યવાહીને પગલે સમગ્ર શહેરા પંથકમાં વીજચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે તેવા સંકેતો વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.






