
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ :- વહેલી સવારે વરસાદ – માલપુર–મેઘરજમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા,અરવલ્લીમાં વાતાવરણમાં પલટો
અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આજે માલપુર અને મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મેઘરજના પહાડીયા તથા રેલ્યો વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. અચાનક પડેલા આ વરસાદથી ખેતીપાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.જિલ્લામાં હાલમાં રવિ સીઝનના પાકો ઉભા છે, ત્યારે કમોસમી વરસાદના કારણે ઘઉં અને બટાકાના પાકમાં રોગચાળો ફેલાવાની શક્યતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. ભેજ વધવાથી પાકમાં ફૂગજન્ય રોગો થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં આ વર્ષે અંદાજે 80 હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. આવા સમયે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જો વરસાદ ચાલુ રહેશે તો પાકના નુકશાન થવાની ભીતિ છે.કમોસમી વરસાદે એક તરફ ઠંડક આપી છે, તો બીજી તરફ ખેડૂતો માટે ચિંતા વધારી છે.




