
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – પતિએ પત્ની પર કુહાડીથી હુમલો કર્યો, બંને પગમાં ફ્રેક્ચર,પતિ પર અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાના આક્ષેપ કરતા જ પતિ ઉશ્કેરાઈ ગયો અને મારી દીધી કુહાડી.!!!
મેઘરજ તાલુકાના નવાગામ (કસાણા) ગામે પતિ દ્વારા પત્ની પર નિર્દય હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરેલુ વિવાદ દરમિયાન પતિએ પત્નીને લોખંડની કુહાડીથી માર મારતા તેણીના બંને પગમાં ફ્રેક્ચર થવાની ગંભીર ઘટના બની છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવાગામ (કસાણા) ગામે રહેતી 46 વર્ષીય રમીલાબેન વા/ઓ જીવાભાઈ નાનજીભાઈ આંબલિયાએ પોતાના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ ગત તા. 23 જાન્યુઆરીના રોજ રાત્રિના આશરે સાત વાગ્યાની આસપાસ ઘરેલુ વાતચીત દરમ્યાન પતિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પતિ પર અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાના આક્ષેપ કરતા જ પતિ ઉશ્કેરાઈ ગયો હતો.આ દરમિયાન પતિએ પત્નીને મા-બેન સામે નઠારી ગાળો આપી, જમીન પર પાડી ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં નજીકમાં પડેલી લાકડાના હાથાવાળી લોખંડની કુહાડી ઉંધી કરીને પત્નીના બંને પગના ઘૂંટણથી નીચેના ભાગે તથા પીઠના પાછળના ભાગે ઘા માર્યા હતા. જેના કારણે પત્નીના બંને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું ડોક્ટરો દ્વારા જણાવાયું છે.ઘટનાના સમયે સાસુ મણીબેન વચ્ચે પડતાં મહિલાની જાન બચી હતી. હુમલા બાદ આરોપી પતિ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ મહિલાને પ્રથમ ઇસરીની સીએસસી ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ વધુ સારવાર માટે એઇમ્સ હોસ્પિટલ, મોડાસા ખાતે દાખલ કરવામાં આવી હતી. હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને બંને પગનું ઓપરેશન કરવાનું હોવાનું ડોક્ટરોનું કહેવું છે.ઘટના અંગે પીડિત મહિલાએ ઇસરી પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સામે ગંભીર ગુનાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





