
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ :- ઈપલોડા ગ્રામ પંચાયતના સરપંચ સામે વિવાદ, ત્રણ સંતાનો હોવાની અરજીથી ખળભળાટ,TDO એ પાઠવી નોટિસ
મેઘરજ તાલુકાના ઈપલોડા ગ્રામ પંચાયતના સરપંચ સામે મોટો વિવાદ ઊભો થયો છે. ઈપલોડા ગ્રામ પંચાયતના સરપંચ નયનાબેન જયેશભાઈ પટેલ પાસે ત્રણ સંતાનો હોવાની અરજી તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં મળતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ, સરપંચ સામે મળેલી અરજીના આધારે TDO દ્વારા આધાર–પુરાવા સાથે હાજર રહેવા નોટિસ ફટકારવામાં આવી હતી. સરપંચને તા. 19 અને 22 જાન્યુઆરીના રોજ સુનાવણી માટે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ બંને દિવસ સરપંચ હાજર રહ્યા નહોતા.આ દરમિયાન સરપંચ નયનાબેન પટેલે ગ્રામ પંચાયતમાં 45 દિવસની રજાનો રિપોર્ટ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અધિકારી સૂત્રો અનુસાર, રજાનો સમયગાળો પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે સુનાવણી કરીને તપાસ હાથ ધરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ બાદ અચાનક ઉઠેલા આ પ્રશ્નને લઈ ઈપલોડા, સીસોદરા (મેઘાઈ) તથા પીસાલ પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલાને લઈ ગ્રામ પંચાયતમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.હાલમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસની પ્રક્રિયા આગળ ધપાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં પુરાવા અને દસ્તાવેજોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે





