
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજની ઉમિયા સખી મંડળની પ્રેરણાદાયી પહેલ: નેચરલ સાબુ બનાવી 30 થી વધુ બહેનો બની આત્મનિર્ભરૂ

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ઉમિયા સખી મંડળ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. મંડળ દ્વારા નેચરલ સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે, જેમાં હાલ 30 થી 40 બહેનો સક્રિય રીતે જોડાયેલી છે. તમામ બહેનો મળીને સંપૂર્ણ નેચરલ અને કેમિકલમુક્ત સાબુનું ઉત્પાદન કરી રહી છે, જેની બજારમાં સારી માંગ જોવા મળી રહી છે.ઉમિયા સખી મંડળની બહેનો દ્વારા લીમડા, તુલસી, એલોવેરા, ગુલાબ, કેસુડો, મસૂર, સેન્ડલ, કોફી સહિત કુલ 20 થી 25 પ્રકારના વિવિધ નેચરલ સાબુ બનાવવામાં આવે છે. આ સાબુ ત્વચા માટે લાભદાયી હોવાથી ગ્રાહકોમાં વિશેષ લોકપ્રિય બન્યા છે. સાબુ બનાવવાની શરૂઆત પહેલાં બહેનોને જરૂરી તાલીમ આપવામાં આવી હતી, ત્યારબાદ સરકારશ્રીના ગ્રામ સંગઠનમાંથી રૂ.50 હજારની લોન મેળવી આ વ્યવસાય શરૂ કરવામાં આવ્યો છે.સખી મંડળની મહિલાઓ દ્વારા મેઘરજ, મોડાસા, અમદાવાદ સહિત આસપાસના વિવિધ વિસ્તારોમાં સ્ટોલ લગાવીને સાબુનું વેચાણ કરવામાં આવે છે. મેળા, પ્રદર્શનો તથા સ્થાનિક કાર્યક્રમોમાં પણ બહેનો પોતાના ઉત્પાદનો રજૂ કરી રહી છે, જેના કારણે આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.આ વ્યવસાયના પરિણામે આજે ઉમિયા સખી મંડળની બહેનો પોતાના પગ પર ઊભી રહી આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બની છે. સાથે સાથે પરિવારની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો છે. મહિલાઓની આ સંઘબદ્ધ મહેનત અને સ્વરોજગારની પહેલ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે અને ગ્રામિણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.




